ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત થઇ જતાં તંત્ર દ્વારા ગમે ત્યારે પડી જાય અને જાનહાની થાય તેની નોટીસ લગાવવામાં આવી છે. જોકે, વર્ગ ત્રણ અને ચારના અંદાજે 20થી વધુ પરિવારો જીવના જોખમે ક્વાટર્સમાં રહેવા મજબૂર હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત થઇ ગયાં છે. વહિવટી તંત્ર દ્વારા ક્વાટર્સ અત્યંત ભયજનક હોઇ તેમાં કોઇ પણ વ્યક્તિએ પ્રવેશ કે ઉપયોગ કરવો નહીં, આમ કરવામાં કોઇ કસુરવાર ઠરશે તો તેની સામે કાયદાકિય પગલાં ભરાશે તેવી ચેતવણીના બોર્ડ લગાવાયાં છે.
જોકે, તેમ છતાંય વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 20થી વધુ પરિવારો જર્જરિત મકાનોમાં રહેવા માટે મજબૂર બન્યાં છે.વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેમનો પગાર એકંદરે ઓછો છે. ત્યારે બહાર હાલમાં સામાન્યરીતે દશેક હજારનું માત્ર મકાન ભાડું ચાલી રહ્યું છે. ત્યારે જો તેઓ ત્યાંથી નિકળી અન્યત્ર ભાડેથી રહેવા જાય તો તેમને પરિવારનું ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બની જાય તેમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂન મહિનામાં તેમણે અધિકારીઓને તેમને વૈકલ્પિક સુવિધા આપવા રજૂઆત કરી તો તંત્રએ તેઓ જો મકાન ખાલી નહીં કરે તો પાણી-વીજ કનેક્શન કાપી નાંખવાની નોટીસ લગાવી દીધી છે. હાલના તબક્કે તેઓ આ મામલે કાંઇ બોલે તો તેમને તેમજ તેની નોકરી પર અસર આવે તેવી બિકને લઇને કોઇ નિવેદન આપ્યું ન હતું.