ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર પુનઃ એક વખત બે એસટી બસને અકસ્માત નડ્યો છે. જેના નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એસટી વિભાગે બસના ચાલકોને 40 કિમીની ઝડપે બસ ચલાવવા સૂચના આપેલી છે છતાંય અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો માર્ગ એસટી બસ ચાલકો માટે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉના 20 દિવસમાં 11થી વધુ બસને અકસ્માત નડ્યો હતો. જે બાદ એસ.ટી. નિગમ હરકતમાં આવી સરકારી બસોની ગતિ આ માર્ગ પર 40 કિમીની કરી દેવામાં આવી હતી. જો કોઈ ચાલક સ્પીડ લિમિટથી વધારે ઝડપથી બસ ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દાખવી હતી.

એસટી વિભાગે ચાર ટીમો બનાવી મોનીટરીંગ શરૂ કર્યું હતું. એસટી વિભાગે નર્મદા મૈયા બ્રિજ તેમજ માર્ગ પર બસો માટે 40 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદિત દર્શાવતા બેનર લગાવવામાં આવ્યા હતા.પાંચ દિવસ પહેલા જ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એસટી બસની 40 કિમીની ગતિ કરી હોવા છતાંય આજે વહેલી સવારે એસટી વિભાગની બે બસોને છાપરા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં અંકલેશ્વર તરફથી આવતી એક બસને પાછળથી આવતી વોલ્વો બસના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાઈડમાં એક ઇકોવાન ચાલકને પણ અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં બસના મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એસટી ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમીક સારવાર અપાઈ હતી.

જોકે અકસ્માતના કારણે બસ રોડ ઉપર ક્રોસ થઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અવર-જવર માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. અકસ્માતમાં વીજના પોલને પણ નુકસાન થયું હતું. આ અંગે એસટી વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર વધુ બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં એક ભૂત મામાની ડેરી પાસે સ્વીફ્ટ કાર ચાલકે ઇકો કારને પાછળથી ટક્કર મારતા ઇકો ગાડી બીજી ઇકો ગાડીને અથડાઈ હતી. આ અકસ્માત સમયે પાછળ આવતી અલ્ટો કાર પણ ઘુસી જતાં ચાર વાહનો ભટકાયા હતા. સદનસીબે તેમાં કોઈને જાનહાની થઈ નથી. જ્યારે બીજા બનાવમાં એક વાન ચાલક વરસાદી માહોલમાં બ્રેક મારતા ગાડી સ્લીપ ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકોના જણાવ્યા મુજબ વરસાદ પડવાના કારણે રોડ ચીકણો બને છે અને બ્રેક મારતા જ ગાડી રોડ ઉપર ચેહરાવા લાગતી હોય છે. જેના કારણે અકસ્માતના બનાવો નબી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here