142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે અવિરત અડીખમ રહી ધમધમી રહ્યો છે.
કોસ્મો પોલિટન કલચર ધરાવતું કાશી કરતા પણ ભારતની 8000 વર્ષ પ્રાચીન ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકરે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડીયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં બ્રિટિશ રાજ બાદની સરકારોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજને સાકાર કરવામાં 43 વર્ષનો સમય લાગ્યો છે.
ગોલ્ડન બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું. ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16 મે 1881 નાં રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ 1940 માં સિલ્વર જયુબલિ રેલવે બ્રિજનું નિર્માણ કરાતા ગોલ્ડનબ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજનાં નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદાબ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.
ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવો બ્રિજ રૂ.400 કરોડના ખર્ચે બે વર્ષથી કાર્યરત છે. નવા ફોર લેન બ્રિજ બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ લાઇટ વાહનો માટે સતત કાર્યરત છે. નવા બ્રિજ બાદ ગોલ્ડનબ્રિજ ઉપરનું ભારણ ઘટતા તે હજી આગામી 20 વર્ષ સુધી વાહનો માટે ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, એક સમયે બ્રિજમાં વપરાયોલા મૂલ્યવાન લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. આજે 16 મે ગોલ્ડનબ્રીજ 137 માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે.