ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસેથી ભરૂચ દહેજ નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે. જેમાં રોજેરોજ નબીપુર, જંબુસર તરફથી સેંકડો નાના મોટા માલ વાહક વાહનો પસાર થતાં હોય છે. રેલવે ફાટક પર વાહનોની સંખ્યા વધી જતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે. ગત બુધવાર રાત્રીના સમયે રાબેતા મુજબ વાહનો ફાટક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના ૧૧ કલાકની આસપાસ કોલસી ભરેલ એક માલગાડી ભરૂચ તરફ જઈ રહી હતી. દરમિયાન દયાદરા ફાટક પરથી પસાર થઈ રહેલ કન્ટેનરન ટ્રક સાથે રફતારમાં આવતી માલગાડી ધડાકાભરે કન્ટેનર સાથે ભટકાઈ હતી.
જોકે કન્ટેનરન ચાલકને અકસ્માતની આશંકાઓ લાગી આવતાં ટ્રકના કેબિનમાંથી કુદી ફાટક બહાર પહોંચી જતાં બચી ગયો હતો. કન્ટેનર ટ્રક અને માલગાડીના ધડાકાભેર અકસ્માતના પગલે અવાજથી આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો. માલગાડી ૩૦૦ થી વધુ મીટર દૂર પહોંચી અટકી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું. દોઢ કલાક સુધી માલગાડી ફાટક પર ઉભી રહેતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દોઢ કલાક બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભયભીત થયેલ લોકોએ ફાટક દૂર કરવાની પણ માંગ ઉચ્ચારી હતી.
દયાદરા ગામની રેલવે ફાટકની ઘટના બનતા આસપાસના રહીશો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. દરમિયાન રલેવે ફાટક કન્ટ્રોલ રૂમમાં જોતા નજારો કઈ અલગ જ હતો. ગંભીર અકસ્માતને પગલે ગામજનો દોડી આવ્યા હતા અને રેલવે કર્મી ઊંઘતો નજરે ચઢ્યો હતો, તેને જગાડતા તે દારૂનો નશો કરી ઊંઘતો હોવાનું લાગી આવ્યું હતું. જોકે કર્મીએ પોતે પણ સ્વીકાર્યું હતું કે તે દારૂનો નશો કરી ફરજ પર હાજર છે. અને તેને ખબર ન હતી કે ફાટક બંધ કરવાની છે જેવું રટણ કર્યું હતું.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પણ એક માલગાડી દયાદરા ફાટક પરથી રફતારથી પસાર થઈ હતી, જેમાં રેલવે ફાટક ખુલ્લી રહી ગઈ હતી, જોકે રેલવે કર્મીને ભીખા શંકરભાઇને પૂછતાં તેને જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે ટ્રેન આવવાની છે મેસેજ નથી મળ્યા. ત્યારે આવી ગંભીર બેદરકારીના પગલે કોઈના લોકોના જીવ સાથે રમત રમતા જવાબદાર લોકોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી જવાબદાર તમામ પર દંડાત્મક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.