આ વર્ષે થોડા દિવસ પહેલા આવેલા વરસાદી ઝાપટાના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધ-ઘટ થતાં સમગ્ર ગુજરાત પંથકનાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી આંબા પર 2 થી 3 તબકકે મોર આવેલ છે.
શરૂના તબક્કે પાંખા મોર આવ્યા અને ત્યાર બાદ મોડે મોડે ફેબ્રુઆરી મહિનાના પ્રારંભ પછી ઠંડીની અસર હેઠળ બીજા તબક્કામાં આંબા પર ભરપૂર મોર આવેલ હતા. પરંતુ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડું ફુકાતા તાજેતરમાં જ ભારે પવન અને ભેજને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણપણે ખરી જતા કેરીનુ ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ દેખાઇ રહી છે.
સામાન્ય રીતે માર્ચ મહિનાના પ્રારંભે સામાન્ય રીતે આગોત્રી કેરીનો ફાલ આવવાનો શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે આગોતરો ફાલ નિષ્ફ્ળ થઈ જતા સમગ્ર વિસ્તારમાં કેસર કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવે તેવી શક્યતા વર્તાતા હવે ગુજરાતના પ્રગતિશિલ બાગાયતકારો માટે સ્થિતિ પડકાર રૂપ ગણાવાઇ રહી છે.
છેલ્લા 10 દિવસમાં બે વખત વાતારવણના પલટા અને માવઠાના કારણે ધરતી પુત્રો ચિંતા માં મુકાયા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આંબાના ઝાડ પર આવતા મોર અને રીના પાકને ખુબજ નુકસાન થઇ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ સાથે જોવા મળ્યો હતો. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે કેરીના પાક સામાન્ય છે. માવઠામાં મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવી સ્થીતી થઈ છે.