ભરૂચ જિલ્લાના દહેજમાં કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણીનો જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતો હોવાથી પશુ-પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. હાલમાં જ કિંગફિશર સહિતના વિદેશી પક્ષીઓ મોતને ભેટયાં હોવાથી જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. દહેજ જીઆઇડીસીમાં 300થી વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે અને મોટાભાગના ઉદ્યોગોનું પાણી ટ્રીટમેન્ટ થયા વિના સીધું દરિયામાં ભળી રહયું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા છોડવામાં આવતાં કેમિકલયુકત પાણીના કારણે ઠેર ઠેર નાના જળાશયો પણ બની ગયાં છે.
આ જળાશયોમાં પાણી પીવા આવતાં પશુ અને પક્ષીઓ મોતને ભેટી રહયાં છે. હાલમાં જ દહેજમાં વિદેશી પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. કંપનીઓના દુષિત પાણીના કારણે નર્મદા નદીના નીર પણ પ્રદુષિત બની જવાથી નદીમાં પણ જળચરોના મોત થતાં માછીમારોની હાલત કફોડી બની છે. દરિયા તથા નદીમાં છોડવામાં આવતું કેમિકલવાળુ પાણી રોકવામાં આવે તે માટે જીપીસીબીને આદેશ કરવામાં આવે તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું છે.