– લીંકરોડ મોઢેશ્વરી દેવસ્થાનથી દાંડિયાબજાર અંબાજી મંદિર સુધી નીકળેલી 22મી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું
– સવારે માતાજીની સાલગીરા નિમિતે કેક કાપવામાં આવી, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા
ભરૂચમાં કુળદેવી માતંગી શ્રી મોઢશ્વરી માતાજીના પાટોત્સવ નિમિતે 22 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.ભરૂચ મોઢ મોદી સમાજ સંચાલિત શ્રી મોઢેશ્વરી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ દ્વારા આજે શુક્રવારે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. લિંક રોડ ઉપર સ્થિત દેવસ્થાન ખાતે સવારે આરતી બાદ માતાજીની સલગીરા નિમિતે સમાજના વરિષ્ટ આગેવાનો દ્વારા કેક કાપવામાં આવી હતી.
સાંજે 4 કલાકે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિરેથી માતાજીના પાટોત્સવ નિમિતે 22 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલા ભવ્ય રથ ઉપર માતાજીને બિરાજમાન કરી ફુલવર્ષા અને ડીજે તેમજ આતશબાજી વચ્ચે શોભાયાત્રા શક્તિનાથ, પાંચબત્તી, સોનેરી મહેલ થઈ દાંડિયા બજાર પહોંચી હતી. જ્યાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રા, મહાઆરતી, દર્શન અને પૂજનમાં મહાનુભવો, સમાજના અગ્રણીઓ, અલકેશ દુધવાળા, સંજય ત્રાલસાવાલા, જયેશ દુધવાળા,રમેશ મોદી, પ્રદીપ તાપિયાવાલા, ભૌતિક ખૂંધાવાલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.