ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાંચ જેટલા ગ્રામજનોએ આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જીએમડીસી દ્વારા પડવાણીયા ખાતે સંભવિત જમીન સંપાદન કરવાના હેતુ માટે ખાનગી જમીનમાં ઓફિસ ભાડે રાખવામાં આવતા પડવાણીયા, ડમલાઈ, દરિયા, પીપળીપાન તથા ગુલીયા ફરિયાના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા ઉપસ્થિત રહી વિરોધ સાથે આવેદનપત્ર અપાયું છે.
આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ કાર્યરત છે અને હાલ નવો પ્રોજેક્ટ મોજે આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણીયા અને શિયાલી જિલ્લો ભરૂચના વિવિધ સર્વે બ્લોક નંબરોમાં કુલ ૧૪૦૦ હેક્ટર આરે ચોરસ મીટર વિસ્તારમાં લિગ્નાઇટ ખનીજ ની માઇનિંગ લીઝ માટે તા. ૫.૨.૨૨ ના રોજ કલેકટર તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા આ અરજી અનુસંધાને પ્રોજેક્ટ માટે મહેસુલી અભિપ્રાય આપવા પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે માંગણી કરેલ હતી, આ માગણી સંદર્ભે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ જમીન સંપાદન ન થાય તેવો તા.૨૫.૨.૨૨ ના રોજ ઠરાવ કરવામાં આવેલ હતો.
વધુમાં તેમણે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં જમીન સંપાદન ન થાય તેવા ઠરાવો થયેલા છે છતાં આવા ઠરાવની અવગણના કરી જીએમડીસી દ્વારા ઓફિસ કાર્યરત કરેલ છે, જે ઓફિસ બંધ કરવા તેમજ લિગ્નાઈટ પ્રોજેક્ટ માટેની કોઈપણ કામગીરી ન કરે તે બાબતની યોગ્ય કારી કરવા ઝઘડિયા પ્રાંત અધિકારી સમક્ષ પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા ખેડૂતોએ રજૂઆત કરી છે. આવેદનપત્ર આપવા માટે પાંચે ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ખેડૂતો ઝઘડિયા સેવાસદન ખાતે ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.