નવસારી પાસે માર્ગ અકસ્માત : વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

0
92

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના ચાલકને હાર્ટ-એટેક આવી ગયો હતો.

આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે BAPSના પ્રમુખસ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.

ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે. પોતાની કંપનીના સ્ટાફની સગાઈમાં શુક્રવારે સવારે વલસાડ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો.

 

મૃતકોનાં નામ

 

નીતિન ઘનશ્યામ પાટીલ (ઉં. 30), ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર

જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં. 25), ભાદાજાળિયા, ધોરાજી, રાજકોટ

જયદીપ કાળુભાઇ ગોધાણી (ઉં. 24), નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ (પરિણીત)

ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં. 24), ગુંદાળા, રાજકોટ

જગદીશ રસિકભાઈ દૂધાત (ઉં. 35), પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ (પરિણીત)

મયૂરકુમાર ધીરુભાઈ વવૈયા (ઉં. 23), ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ

નવનીત મોહનભાઈ ભદીચદરા (ઉં. 39), નાયવરનગર, નાના વરાછા, સુરત

પ્રજ્ઞેશ રણછોડ વેકરિયા (ઉં. 23), પાણીની ટાંકી, રબાકિયા, રાજકોટ(પરિણીત)

ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ (લક્ઝરી બસનો મુસાફર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here