ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવા સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જળ અભિયાન છે. તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાન થકી કરવામાં આવનાર કામગીરીથી તળાવો, ચેકડેમોમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે જેથી જિલ્લામાં જળ સંચયનો વ્યાપ વધશે. આ ઉપરાંત પાણીનો સંગ્રહ થવાથી સંગ્રહિત પાણીની આજુબાજુની જમીનોના પાણીના તળ ઉંચા આવશે. તેમણે જળસંચય અભિયાન થકી થનારા ફાયદાની પણ વિસ્તૃત વિગતો આપી હતી.આ અભિયાન લોકભાગીદારીથી તા.૩૧મી મે-૨૦૨૨ સુધી ચાલશે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રામજનોને ગામ તળાવ સુંદર રાખવાની સાથે તળાવની આજુબાજુની જગ્યામાં વૃક્ષો વાવવાની પણ હિમાયત કરી હતી.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રીએ નંદેલાવ ગામમાં થયેલા વિકાસકામોની માહિતી રજૂ કરી હતી. પ્રારંભે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.જી.મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતમાં આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઇ પરમારે કર્યું હતું. આ વેળાએ ગ્રામજનો ધ્વારા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલ, સિંચાઇ વિભાગના ચેરમેન રંજનબેન, ગામના સરપંચ લક્ષ્મીબેન, ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સદસ્યો, ગામ આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.