* ભરૂચ જિલ્લાની વિવિધ 16 જેટલી સંસ્થાઓ દ્વારા કરાયું બહુમાન

* પડકારોને પણ મઝાથી માણ્યા : ગરીબોને કેન્દ્રસ્થાને રાખી સેવાની ધૂણી ધૂખાવનાર ડો. લતાબહેનની નિખાલસ વાત.

* સેવારૂરલ અને શારદા મહિલા વિકાસ સોસાયટીના સ્થાપક પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલ વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડો. લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા માટે આ ગૌરવની બાબત છે કે ઝગડિયા જેવા આદિવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવનાર ડો. લતાબહેનને આટલું મોટું સન્માન મળ્યું છે. સરળ અને નિખાલસ ડો. લતાબહેન દેસાઇ તથા તેઓની ટીમને શરૂઆતથી જ પડકારો ઝીલવા પડ્યા હતા પરંતુ આ પડકારોને પણ તેઓએ માણ્યા અને મઝા લઈને તેનો સામનો કર્યો અને તેથી જ એક છાપરા નીચે શરૂ કરાયેલ સેવા રૂરલ આજે એક વટવૃક્ષ  બની ગઈ છે.

ભરૂચ જિલ્લાની 16 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેંટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ, શ્રી સદવિદ્યા મંડળ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, જન શિક્ષણ સંસ્થાન, ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ એંજિનિયર્સ, નર્મદા એજ્યુકેશન કેમ્પસ, મહાવીર ઇન્ટરનેશનલ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ, જૈન સોશ્યલ ગ્રૂપ ભરૂચ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર અંકલેશ્વર  દ્વારા તેઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે.પી. કોલેજના અતુલાનંદજી  ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ તેઓને સન્માન પત્ર, મોમેન્ટો તથા વૃક્ષ આપી સન્માન કર્યું હતું. તમામ સંસ્થાઓએ ભેગા મળી સેવા રૂરલને  રૂ. 1 લાખ 21 હજારનું અનુદાન આપ્યું હતું.

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઇ સાથે યોજાયેલ સંવાદમાં તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે શરૂઆતમાં ઝગડિયા ખાતે કામ શરૂ કર્યું ત્યારે લોકો અમને ગાંડા ગણતા હતા પરંતુ અમે અનેક પડકારોને ઝીલીને પણ સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખી હતી અને આજે પરિણામ સ્વરૂપે આ સંસ્થા એ અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ડો. અનિલભાઇ દેસાઈને તેઓએ યાદ કરી જણાવ્યુ હતું શુભની શક્તિમાં જ શ્રદ્ધાની ભાવના સાથે કાર્ય શરૂ રાખ્યું અને આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ આખીએ સંસ્થાનું છે. તેમ તેઓએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં બીડીએમએ ના પ્રમુખ હરીશ જોષી, સી.ઇ.ઑ જયેશ ત્રિવેદી, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, કમલેશભાઈ ઉદાણી, મિનલબહેન દવે, આનંદપુરા પરિવાર, સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોકિલાબહેન પંડયાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here