ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંચાયત ખાતે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસના અવસરે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કુલ 4 મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં વાલિયા તાલુકામાં આકાર પામનારા વિનાશકારી લિગ્નાઈટ પ્રોજેક્ટનો મુદ્દો સૌથી વધુ ગરમાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ગ્રામ પંચાયતોની કોઈપણ પ્રકારની એનઓસી કે ઠરાવ લીધા વગર જ આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી દેવામાં આવતા પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ મનસ્વી નિર્ણયના વિરોધમાં અસરગ્રસ્ત 18 ગામોની ગ્રામ પંચાયતો દ્વારા પ્રોજેક્ટની નામંજૂરી અંગેના ઠરાવ પસાર કરીને વાલિયા તાલુકા પંચાયતને સુપરત કરવામાં આવ્યા હતા.

ત્યારે સંવિધાન દિવસે મળેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હાજર તમામ સભ્યોએ ગ્રામ પંચાયતોની લાગણી અને માગણીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

સભામાં 18 ગ્રામ પંચાયતોના ઠરાવને બહાલી આપીને વિનાશકારી લિગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં વાલિયા તાલુકા પંચાયત દ્વારા પણ સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેથી પ્રોજેક્ટ સામેની લડતને વધુ વેગ મળ્યો છે. સભામાં તાલુકા પ્રમુખ રજૂ વસાવા, બિપિન વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here