ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ગ્રામ્ય વિસ્તારના મતદારો અને સંભવિત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા અગાઉના કાર્યક્રમ મુજબ 27 નવેમ્બર, 2026ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની વોર્ડવાર આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી. પરંતુ વહીવટી કારણોસર અને મતદાર યાદીની ચકાસણીની કામગીરી ચાલુ હોવાથી આ યાદી પ્રસિદ્ધ કરવાનું હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા આ અંગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 17 નવેમ્બરે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ 23 નવેમ્બર સુધી વાંધા અને અરજીઓ સ્વીકારવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ 100 ટકા વાંધા અને અરજીઓનો યોગ્ય નિકાલ થયા બાદ જ અંતિમ યાદી બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગી રહ્યો હોવાથી હવે આખરી મતદાર યાદી આવતા અઠવાડિયે જાહેર થઈ શકે તેવી શક્યતા છે.

આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવામાં વિલંબ થવાના કારણે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ અને જાહેરનામું બહાર પડવામાં પણ હજુ વધુ વાર લાગી શકે છે. આ નિર્ણયને પગલે રાજ્યના ગ્રામ્ય રાજકારણમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી ગતિવિધિઓ અને ઉમેદવારોની તૈયારીઓ પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે. હવે સૌની નજર આગામી સપ્તાહે પ્રસિદ્ધ થનારી આખરી મતદાર યાદી અને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા જાહેર થનારી તારીખો પર ટકેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here