ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં એક યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તુષાર મોહિતે નામના યુવાન પર અચાનક તીક્ષ્ણ હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તુષારને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં આ હિંસક હુમલા પાછળ મિલકતની લેવડ-દેવડ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મકાનના ખરીદ-વેચાણના સોદામાં થયેલી નાણાકીય તકરાર ઉગ્ર બનતા આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
બનાવની જાણ થતા જ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






