ગ્રામીણ લોકશાહીના પાયા સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મહિલા અનામતનો મૂળ હેતુ નારી સશક્તિકરણ છે, પરંતુ વાસ્તવિકતામાં ‘સરપંચ પતિ’ પ્રથાએ લોકશાહીની મજાક બનાવી દીધી છે. કાયદાકીય રીતે ચૂંટાયેલી મહિલા જ ગામની પ્રથમ નાગરિક અને કાયદેસર સરપંચ કે સભ્ય છે, તેમના પતિ કે પરિવારના પુરુષ સભ્યો નહીં. પતિ દ્વારા પંચાયતની મીટિંગોમાં હાજરી આપવી, ઠરાવો કરવા, સહીઓ કરવી, બેંક વ્યવહારો સંભાળવા કે સરકારી કામોમાં હસ્તક્ષેપ કરવો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
દેશની સર્વોચ્ચ અદાલતે (W.P. 615/2023) અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ પણ આ પ્રકારના ‘પ્રોક્સી વહીવટ’ (અવેજી શાસન) ને ગેરબંધારણીય ગણાવી કડક વલણ અપનાવ્યું છે. ભારતીય ન્યાય સંહિતા મુજબ, ચૂંટાયેલા ન હોવા છતાં પતિ દ્વારા સત્તાનો ઉપયોગ કરવો એ છેતરપિંડી અને ‘જાહેર સેવકની ખોટી ઓળખ ધારણ કરવા’ (Impersonation of Public Servant) જેવો ગંભીર ગુનો બને છે. મહિલા સરપંચે પોતે જ સભામાં બોલવું જોઈએ, પોતે દસ્તાવેજો પર સહી કરવી જોઈએ અને સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા જોઈએ.
બીજી તરફ, ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં તંત્રની લાલીયાવાડી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉમેદવારી નોંધાવવી એ માત્ર એક ફોર્મ ભરવાની પ્રક્રિયા નથી; તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, જાતિ કે અનામત પ્રમાણપત્ર, મતદારયાદીમાં નામની ચકાસણી, પેનલની રચના, વિવિધ દાખલાઓ કઢાવવા અને પ્રચાર માટે પૂરતો સમય મળવો અનિવાર્ય છે.
જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોને તૈયારી અને પ્રચાર માટે વ્યવસ્થિત સમય અને સુવિધા મળતી હોય, તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આવું ઓરમાયું વર્તન કેમ? તંત્રની ઉતાવળ અને અવ્યવસ્થાને કારણે નવા અને શિક્ષિત મહિલા ઉમેદવારો પૂરતી તૈયારી કરી શકતા નથી. ઉમેદવારોને પૂરતો સમય અને પારદર્શક વ્યવસ્થા મળવી જ જોઈએ, કારણ કે તે તેમનો બંધારણીય હક્ક છે.





