દેડિયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વહીવટી બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઘનખેતર ગામના ગરીબ લાભાર્થી વસાવા સોનજીભાઈ પુનિયાભાઈને વર્ષ 2022-23માં રૂ. 1,20,000ની આવાસ સહાય મંજૂર થઈ હતી, પરંતુ તેના પ્રથમ હપ્તાના રૂ. 30,000 તેમના ખાતાને બદલે અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા થઈ ગયા હોવાનો આક્ષેપ છે.
આ ભૂલ સામે આવ્યા બાદ લાભાર્થી સોનજીભાઈ છેલ્લા બે વર્ષથી સંબંધિત કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ સમક્ષ અનેક વખત રૂબરૂ રજૂઆતો કરવા છતાં ‘નોટિસ આપીશું’ કે ‘થઈ જશે’ જેવા ગોળગોળ જવાબો આપીને માત્ર આશ્વાસનો જ અપાય છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.
આ મામલે મીડિયા સમક્ષ અધિકારીઓએ રકમ અન્યના ખાતામાં જમા થઈ હોવાનું સ્વીકારી નોટિસ આપ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, વિસ્તરણ અધિકારીએ પોતે નવા આવ્યા હોવાથી આ બાબતે અજાણ હોવાનું જણાવી ફરી નોટિસ આપવાની વાત કરી હતી.
PFMS/DBT સિસ્ટમ અને બેંક ખાતાની ચકાસણીમાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ અને બે વર્ષ સુધી તેનો નિકાલ કેમ ન આવ્યો તે તપાસનો વિષય છે. હવે જિલ્લા વિકાસ અધિકારી અને DRDA આ મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેશે કે કેમ અને ગરીબ લાભાર્થીને તેના હકના નાણાં ક્યારે મળશે તે જોવું રહ્યું.






