રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નર્મદા જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસ પૂર્વે જ સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ અને વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ શાસિત નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ ગુજરાત પેટર્ન સમિતિના સભ્યોએ પ્રાયોજના વહીવટદાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જો યોગ્ય નિકાલ નહીં આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આદિવાસી વિસ્તારોના વિકાસ માટે અમલી ‘ગુજરાત પેટર્ન યોજના (2026-27)’ હેઠળ મંજૂર થયેલા કામોની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો છે.
• ચૂંટાયેલા પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, ગત 07/08/2026ના રોજ તેઓ દ્વારા સૂચવવામાં આવેલા વિકાસકામોની યાદી પર પ્રાયોજના વિભાગે સહી-સિક્કા કરીને મંજૂરી આપી હતી.
• જોકે, ત્યારબાદ ચૂંટાયેલા સભ્યોની જાણ બહાર આ યાદીમાં ફેરફાર કરીને તેમના સૂચવેલા કામો રદ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ અન્ય પસંદગીના કામો ઉમેરી દેવાયા હોવાનો દાવો કરાયો છે.
પ્રાયોજના કચેરીએ ધરણાની ચીમકી
પોતાના વિસ્તારના વિકાસકામો કપાતા નારાજ થયેલા નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખો તથા સમિતિના સભ્યોએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આ મામલે તાત્કાલિક યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રાયોજના વહીવટદારની કચેરી ખાતે ધરણા પર બેસશે.
સંગઠન ડેમેજ કંટ્રોલમાં લાગ્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલથી ત્રણ દિવસ સુધી દેડિયાપાડા વિધાનસભા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે સંવાદ કરવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસના બરાબર એક દિવસ પહેલાં જ ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારી તંત્ર સામે મોરચો માંડતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રવાસ દરમિયાન કોઈ અસંતોષ બહાર ન આવે અને મામલો થાળે પડે તે માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તાત્કાલિક ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.






