વાગરા તાલુકાના નાંદિડા ગામની નવીનગરીમાં મોબાઈલ ગેમની નજીવી બાબતે થયેલી તકરારે મારામારીનું સ્વરૂપ લઈ લીધું હતું.મોબાઈલમાં રમાતી લોકપ્રિય ફ્રી ફાયર ગેમનો શોર્ટ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવાની અદાવત રાખીને 16 વર્ષીય સગીર પર ગામના જ ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નાંદિડા ગામની નવીનગરીમાં રહેતા રાજુ રણછોડ રાઠોડનો 16 વર્ષીય પુત્ર રોહિત 5 નવેમ્બર 2026ના રોજ બપોરના સમયે તેના મિત્રો વિષ્ણુ, સાગર, અજય અને દીપક સાથે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. ગેમ રમવા દરમિયાન કોઈ કારણસર ગાળો બોલવા બાબતે વિષ્ણુને રોહિત સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

આ ઘટના બાદ રોહિતે ગેમનો એક શોર્ટ વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી તરીકે અપલોડ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ વિષ્ણુ રાજુ રાઠોડ, સાગર અરવિંદ રાઠોડ, અજય ગોકુળ રાઠોડ અને દીપક અર્જુન રાઠોડ સહિતનાઓ રોહિત પાસે પહોંચી જઈ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કેમ મૂકી તેમ કહી રોહિતને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું.

પુત્રને માર પડતો જોઈને તેને રોહિતના પિતા રાજુ અને માતા બચાવવા દોડ્યા હતા. હુમલાખોરોએ સગીરના માતા-પિતા સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. ચારેય હુમલાખોરો ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત રોહિતને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here