ભરૂચ નગરની વર્ષો જૂની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવા માટે સ્થાનિક કારીગરો રાત-દિવસ એક કરી રહ્યા છે. ભરૂચની પ્રખ્યાત દાંડિયા બજાર અને કુંભવાડ વિસ્તારમાં દિવાળી પર્વ નિમિત્તે ઘરોમાં સ્થાપિત કરવામાં આવતા પરંપરાગત માટીના ‘મેડીયું’ (માટીના નાના સુશોભિત ઘર) તથા વાંસના ‘મેડીયું’ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
વર્ષો જૂની પરંપરા અને ધાર્મિક મહત્ત્વ
ભરૂચ અને તેની આસપાસના નર્મદા કાંઠાના વિસ્તારોમાં દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં માટીનું ‘મેડીયું’ મૂકવાની પરંપરા સદીઓ જૂની છે. નૂતન વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક સમાન આ મેડીયુંને લક્ષ્મી પૂજન દરમિયાન વિશેષ સ્થાન આપવામાં આવે છે. ખાસ કરીને જૂના ભરૂચના વિસ્તારોમાં આજે પણ આ પ્રથા એટલી જ ઉત્સાહભેર જળવાઈ રહી છે. સ્થાનિક કુંભારી જ્ઞાતિના પરિવારો ખાસ પ્રકારની ચીકણી માટી લાવીને, તેને યોગ્ય આકાર આપી, ભઠ્ઠીમાં શેકીને આ સુંદર નાના ઘર તૈયાર કરે છે. ત્યારબાદ તેના પર આકર્ષક કલરકામ અને ચિત્રકામ કરીને તેને વેચાણ માટે મૂકવામાં આવે છે.આ મેડીયુંને વાંસને ઉભો ફાડી દિવા મુકવાનું સ્ટેન્ડ પણ બનાવી તેને વેચાણ કરાય છે.
મોંઘવારી અને આધુનિકતા વચ્ચે કારીગરોનો સંઘર્ષ
દાંડિયા બજારના એક સ્થાનિક કારીગરે જણાવ્યું હતું કે, “અમારો આખો પરિવાર છેલ્લા બે મહિનાથી આ કામમાં વ્યસ્ત છે. માટી લાવવાથી લઈને તેને આખરી ઓપ આપવા સુધી ભારે મહેનત માગી લે છે.” જો કે, બદલાતા સમય સાથે બજારમાં આવેલી પ્લાસ્ટિકની ચાઇનીઝ લાઈટો અને રેડીમેડ આર્ટિફિશિયલ શો-પીસના કારણે આ પરંપરાગત કળા સામે મોટો પડકાર ઊભો થયો છે. વધતી જતી મોંઘવારી, માટીની અછત અને મજૂરીના યોગ્ય ભાવો ન મળવા છતાં આ કારીગરો પોતાની સંસ્કૃતિને સાચવી રાખવા મથી રહ્યા છે.
‘વોકલ ફોર લોકલ’ અપનાવવા અપીલ
તહેવારોની મોસમમાં ભરૂચના જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા દર વર્ષે લોકોને સ્થાનિક કારીગરોને આર્થિક ટેકો આપવા માટે અપીલ કરવામાં આવે છે. આધુનિક ઝાકઝમાળ પાછળ દોડવાને બદલે જો નગરજનો દાંડિયા બજાર અને હોસ્ટેલ ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાંથી માટીના દીવડા, ક્યારા અને મેડીયું તથા વાંસના દિવા મુકવાના સ્ટેન્ડ ખરીદશે, તો આ ગરીબ અને મધ્યમવર્ગીય કારીગરોના ઘરોમાં પણ દિવાળીનો સાચો પ્રકાશ ફેલાઈ શકશે. આગામી દિવસોમાં આ માટીની કલાકૃતિઓથી ભરૂચનું બજાર ધમધમતું થાય તેવી આશા કારીગરો સેવી રહ્યા છે.





