વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગરના સાનિધ્યમાં આયોજિત ભારત પર્વ-૨૦૨૬ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરતું એક અનોખું સાંસ્કૃતિક મહોત્સવ બની રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોના કલાકારો, હસ્તકલાકારો અને કારીગરો પોતાની પરંપરાગત કળા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને એક જ મંચ પર રજૂ કરી રહ્યા છે. આ પર્વ માત્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર નથી, પરંતુ પેઢીઓથી જળવાયેલી લોકકળાઓને નવી ઓળખ અને કલાકારોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પણ પૂરી પાડી રહ્યું છે.
આવા જ એક અનોખા નજરાણા સાથે આસામના શિવસાગર શહેરના જાણીતા મુખોટા કલાકાર સુજિત બરુઆહ ભારત પર્વમાં ઉપસ્થિત છે. તેમની કલામાં આસામની લગભગ ૬૦૦ વર્ષ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા જીવંત થઈ ઊઠે છે. રંગબેરંગી અને વિવિધ પૌરાણિક પાત્રોના સ્વરૂપમાં તૈયાર કરાયેલા તેમના મુખોટાઓ પ્રવાસીઓમાં વિશેષ કુતૂહલ અને આકર્ષણ જગાવી રહ્યા છે.
૬૦૦ વર્ષ જૂની પરંપરા, કુદરતી સામગ્રીથી સર્જાતી અદ્ભુત કળા
મુખોટા બનાવવાની આ પરંપરા અંગે સુજિત બરુઆહ જણાવે છે કે, “આ આસામની ૧૫મી સદીની એટલે કે લગભગ ૬૦૦ વર્ષ જૂની પરંપરાગત કળા છે, જેની શરૂઆત મહાપુરુષ શ્રીમંત શંકરદેવે કરી હતી. આ મુખોટાઓ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હોય છે. તેને બનાવવા માટે વાંસ, માટી, ગાયનું ગોબર અને કાપડ જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે રામાયણ, શ્રીકૃષ્ણની રાસલીલા અને ધાર્મિક નાટ્યપ્રયોગોનાં પાત્રોને જીવંત કરવા માટે આ મુખોટાઓ તૈયાર કરવામાં આવે છે.
આ મુખોટા માત્ર ચહેરા પર પહેરવાનું સાધન નથી, પરંતુ આસામની ધાર્મિક આસ્થા, લોકજીવન અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. ખાસ કરીને ભાઓના અને અંકિયા નાટ જેવા પરંપરાગત ધાર્મિક નાટ્યપ્રયોગોમાં આ મુખોટાઓનું વિશેષ મહત્ત્વ છે. દેવ-દેવીઓ, પૌરાણિક પાત્રો અને મિથકીય જીવોના સ્વરૂપમાં તૈયાર થતી આ કલાકૃતિઓમાં કલાકારની કલ્પનાશક્તિ, ધીરજ અને વર્ષોની સાધનાનું પ્રતિબિંબ જોવા મળે છે.
ગુરુના માર્ગદર્શનથી કળાની સાધના, નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ
સુજિત બરુઆહે જાણીતા પદ્મશ્રી રેબાકાંત મહંતાના માર્ગદર્શન હેઠળ આ પરંપરાગત મુખોટા કળાની તાલીમ મેળવી છે. તેઓ પરંપરાગત વારસાને જાળવી રાખવાની સાથે તેને આધુનિક સમયની જરૂરિયાતો સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાર્ના કુટિર આર્ટ એકેડમીના માધ્યમથી તેઓ અન્ય કલાકારોને પણ તાલીમ અને માર્ગદર્શન આપે છે.





