જંબુસર તાલુકાના સારોદ ગામની સીમમાં ફરી એકવાર વન્યજીવની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સારોદ ગામની સીમમાં આવેલી જાણીતી પી.આઈ. (PI) કંપનીની પાછળના ભાગે આવેલા અગર રોડ ઉપર ગતરોજ એક કદાવર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્થાનિક નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની આ હલચલને કેદ કરી લેતા આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરા સતત જોવા મળી રહ્યા છે. સીમમાં અવારનવાર દીપડો દેખાતો હોવાના કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતો, પશુપાલકો અને મજૂરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા જવામાં કે સીમ વિસ્તારમાંથી પસાર થવામાં લોકો હવે ડરી રહ્યા છે, જેના કારણે રોજિંદી આજીવિકા પર પણ અસર પડી રહી છે.

વારંવાર દીપડાના દેખા દેવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે પશુ-માનવ પર હુમલો ન થાય તે માટે ગ્રામજનોમાં ચિંતાની લાગણી છે. સારોદ અને આસપાસના ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાકીદે આ વિસ્તારમાં મોનિટરિંગ વધારવા અને વહેલી તકે દીપડાને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here