ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાહનચાલકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયાં છે. વાગરાથી પહાજ જવાના માર્ગ પર પહાજ ગામ નજીક આવેલા તબેલા પાસે તબેલામાંથી અચાનક મુખ્ય માર્ગ પર ધસી આવેલા JCB અને બાઈક વચ્ચે એવી ભયાનક ટક્કર સર્જાઈ કે ઓછણ ગામના આશાસ્પદ યુવાન સરફરાજ ઉંમરજી પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓછણ ગામના રહેવાસી સરફરાજ ઉંમરજી પટેલ પોતાની બાઈક નંબર GJ-16-BJ-7096 લઈને પહાજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પહાજ ગામ નજીક આવેલા તબેલામાંથી JCB નંબર GJ-22-X-0931 અચાનક બહાર નીકળીને મુખ્ય માર્ગ પર આવી રહ્યું હતું. આ જ સમયે પૂરતી તકેદારી રાખવાનો સમય પણ ન મળ્યો હોય તેમ બાઈક અને JCB વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકચાલક સરફરાજને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતે ફરી એકવાર મુખ્ય માર્ગ પર તબેલા, ઔદ્યોગિક એકમો કે અન્ય સ્થળોમાંથી વાહનોને રસ્તા પર પ્રવેશ આપતી વખતે રાખવાની જરૂરી સાવચેતી અને સુરક્ષાના નિયમોના પાલન સામે અનેક સવાલો ઊભા કર્યા છે.મુખ્ય માર્ગ પર અચાનક વાહનો પ્રવેશતા હોય ત્યારે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. જોકે, આ અકસ્માતમાં બેદરકારી કોની હતી અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. આ મામલે ગુનો નોંધી અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનામાં ઓછણ ગામના આશાસ્પદ યુવાનના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકનું મિજું ફરી વળ્યું છે. આ અકસ્માતની પોલીસ તપાસમાં ધટનાની હકીકત બહાર આવે અને જો કોઈની બેદરકારી સાબિત થાય તો જવાબદાર તમામ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઊઠી રહી છે.





