નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક્કનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 80,000 જંગલ જમીનના હક્કપત્રો આપવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સ્થાનિક આદિવાસી ખેડૂતોને આ હક્કપત્રોથી વંચિત રાખવામાં આવશે તેવી પ્રબળ આશંકા વ્યક્ત થઈ રહી છે.
નર્મદા જિલ્લામાં હાલ 800થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેમાં માત્ર સાગબારા તાલુકાની આશરે 630 અરજીઓનો સમાવેશ થાય છે. છેલ્લા 20થી 25 વર્ષથી જંગલ જમીન ખેડીને ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતોને હક્કપત્રો નહીં મળવાની ભીતિ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ વહીવટી તંત્ર અને વન વિભાગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
સાંસદના જણાવ્યા મુજબ, વન વિભાગ અને વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ નવા લોકોને સનદ (હક્કપત્ર) આપવા તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાના મૂળ ખેડૂતોને આ લાભથી બાકાત રાખવામાં આવ્યા છે.
સાંસદે આક્ષેપ કર્યો છે કે વનસમિતિઓ અને વન અધિકારીઓના માનીતા હોય તેવા નવા લોકોને ખેડૂત ન હોવા છતાં લાભ આપવામાં આવ્યો છે, જ્યારે દાયકાઓથી ખેતી કરતા વાસ્તવિક ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે.તેમણે ચેતવણી આપી છે કે આદિવાસીઓ વચ્ચે ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જો સરકારે આ બાબતની ગંભીર નોંધ નહીં લીધી, તો આ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસીઓને સનદ નહીં મળે તો તેઓ આ મુદ્દે ચૂપ નહીં બેસે તેવી સ્પષ્ટ ચેતવણી પણ તેમણે ઉચ્ચારી છે.
જંગલ જમીનના હક્કપત્રોના આ ગંભીર મુદ્દે સાંસદની નારાજગી બાદ, હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને આદિવાસી ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં, તેના પર સૌની મીટ માંડવામાં આવી છે.












