ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તા. ૨૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર, ૨૦૨૬ સુધી ‘આદિવાસી ન્યાય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ‘આદિવાસી ન્યાય યાત્રા’નો ૨૪ તારીખથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી નીકળશે, જેમાં તમામ સમાજના જનસમર્થનને સાથે લેવામાં આવશે.
આ યાત્રાનું નેતૃત્વ શકુંતલા
બેન ચૈતરભાઈ વસાવા અને વર્ષાબેન ચૈતરભાઈ વસાવા કરશે. આ બંને બહેનોની સાથે તમામ સમાજની આગેવાન મહિલાઓ પણ જોડાશે. આ યાત્રા ૧૪ જેટલા જિલ્લાઓ અને ૩૨ જેટલી વિધાનસભાઓમાંથી પસાર થશે,જ્યાં અલગ-અલગ ગામડાઓમાં જઈને જનસભાઓ યોજવામાં આવશે અને સ્વાગત વિધિઓ કરવામાં આવશે. આ યાત્રાની પૂર્ણાહુતિ ૩ તારીખે અંબાજી ખાતે થશે, ત્યારબાદ ૩ તારીખે રાત્રે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચૈતરભાઈ વસાવા આ સરકાર સામે શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, નર્મદા ડેમના વિસ્થાપિતો અને કેનાલના પ્રશ્નો જેવા તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે અને લડે છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરીને તેમને ડરાવવાનો, ધમકાવવાનો અને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે આદિવાસી સમાજ સહિત તમામ સમાજમાં ચૈતરભાઈની ખૂબ મોટી ખોટ વર્તાઈ રહી છે, જેના માટે તમામ આગેવાન શ્રીઓએ સાથે મળીને આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. અમે તમામ સમાજના લોકોને સંદેશો આપીએ છીએ કે આ યાત્રા જ્યાં જ્યાંથી પ્રવેશે, ત્યાં આપ સૌ સાથે મળીને ચૈતરભાઈ અને તેમના પરિવારના હાથ મજબૂત કરો.





