આમોદ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર શહેરના મુખ્ય ચાર રસ્તા પર ખુલ્લેઆમ સામે આવી છે. શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતીક ગણાતું I LOVE AMOD સેલ્ફી પોઇન્ટ આજે તેની નીચે ખડકાયેલા ગંદકી અને કચરાના ઢગલાઓને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરની સુંદરતા વધારવા માટે મૂકાયેલું બોર્ડ હવે સ્વચ્છતા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો અરીસો બની ગયું છે. સ્થાનિક મીડિયાએ અગાઉ પણ અનેક વખત આ ગંદકી અંગે અહેવાલો પ્રકાશિત કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. શહેરના હાર્દ સમાન સ્થળની આવી હાલત હોય તો આંતરિક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે તે મોટો સવાલ બની ગયો છે. એક તરફ દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ આમોદમાં જાહેર સ્થળે જ ગંદકીના ઢગલા તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. માત્ર ફેન્સી બોર્ડ લગાવી દેવા કે ફોટા પડાવવાથી શહેર સ્વચ્છ બનતું નથી. તેના માટે મેદાનમાં સતત કામગીરી અને જવાબદારી જરૂરી છે.

આ મુદ્દે ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી મુકેશ લક્ષ્મણ રબારીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ, જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે વિરોધ કરનારા કોંગ્રેસના નેતાઓ આજે સત્તામાં આવીને મૌન કેમ છે? તેમણે યુથ કોંગ્રેસના નેતા કેતન મકવાણાનું નામ લઈને પણ સવાલ કર્યો કે જે મુદ્દે અગાઉ વિરોધ કર્યો હતો, એ જ મુદ્દો આજે કેમ દેખાતો નથી?અત્રે ઉલ્લેખનીય છે કે શાસન કોંગ્રેસનું હોય કે ભાજપનું, જનતાના મૂળ પ્રશ્નો વર્ષોથી યથાવત રહ્યા છે. સત્તા મળ્યા પછી નેતાઓને શોધવા મુશ્કેલ બની જાય છે અને જનતાના પ્રશ્નો પાછળ ધકેલાઈ જાય છે. શહેરના લોકો આજે પૂછે છે. સત્તા માત્ર ચૂંટણી જીતવા માટે છે કે શહેરની સમસ્યાઓ ઉકેલવા માટે? તાજેતરમાં જ DGVCL દ્વારા CSR હેઠળ આમોદ નગરપાલિકાને શહેરની સફાઈ માટે મિની JCB અને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે. ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે આ મોંઘા સાધનો માત્ર લોકાર્પણ પૂરતા નહીં રહે, પરંતુ શહેરની ગંદકી દૂર કરવા માટે તાત્કાલિક ઉપયોગમાં લેવાય અને સમગ્ર આમોદમાં કાયમી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે.

આ સમગ્ર મુદ્દા દરમિયાન કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી કૉમેન્ટો કરીને મીડિયાને જ નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મીડિયા સામે સવાલ ઉઠાવવાથી શહેરની ગંદકી દૂર થવાની નથી. મીડિયા તો જનતાના પ્રશ્નોને અવાજ આપવાનું કામ કરે છે અને સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની, બંનેના કાન આમળવાનું કામ નિષ્પક્ષ રીતે કર્યું છે અને આગળ પણ કરશે. શહેરની ગંદકીનો અરીસો બતાવવાથી જો કોઈને તકલીફ થાય છે તો તેમણે મીડિયાને નહીં, પરંતુ સત્તામાં બેઠેલા જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવાલ કરવા જોઈએ. સોશિયલ મીડિયામાં ખોટી અને અધૂરી કૉમેન્ટો કરીને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાને બદલે શહેરની સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવો; મીડિયા ચોક્કસપણે જનતાની વાતને વાચા આપશે. હવે સમય રાજકારણ કરવાનો નથી, પરિણામ આપવાનો છે. વિપક્ષે માત્ર આક્ષેપો નહીં, પરંતુ તથ્યો સાથે જનહિતના પ્રશ્નો ઉઠાવવા જોઈએ. સત્તામાં બેઠેલા પદાધિકારીઓએ ટીકા સામે નારાજ થવાને બદલે તાત્કાલિક ગંદકી દૂર કરાવી, સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવી અને CSR હેઠળ મળેલા સાધનોનો અસરકારક ઉપયોગ કરવો જોઈએ. જનતા હવે વચનો નહીં, કામ માંગે છે. જો હવે પણ કાર્યવાહી નહીં થાય તો I LOVE AMOD બોર્ડ શહેરની શાન નહીં, પરંતુ વહીવટી નિષ્ફળતાની જીવતી-જાગતી સાક્ષી બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here