અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બારમાની વિધિ માટે ગામના સ્મશાન પાસે વિધિમાં ભાગ લેવા ગયેલા વ્યક્તિ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે બે હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજીભાઈ વસાવા ગામના અર્જુન વસાવાના પરિવારમાં થયેલા મરણની બારમાની વિધિ માટે ગામના અન્ય લોકો સાથે સ્મશાન પાસે ગયા હતા. દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવા ત્યાં આવ્યા હતા. આરોપીઓએ રમણભાઈ પર હસમુખના દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી.બોલાચાલી ઉગ્ર બનતા મામા-ભાણેજે કમરના ભાગેથી ચપ્પુ કાઢી રમણભાઈ તરફ દોડ્યા હતા. રમણભાઈ પોતાના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા ગણેશ વસાવા અને પ્રદ્યુમ્ન વસાવાએ તેમને રોક્યા હતા.
ગણેશ અને પ્રદ્યુમ્ને રમણભાઈને હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો હતો, જ્યારે હસમુખ વસાવાએ કમરના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ રમણભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

