આમોદ તાલુકાના નાનકડા ગામ કાંકરિયામાં ચર્ચિત ધર્માંતરણ કેસમાં આરોપીઓના વધુ 8 દિવસના રિમાન્ડ આમોદ કોર્ટે નામંજૂર કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બહુચર્ચિત બનેલ ધર્મ પરિવર્તનના મામલામાં આરોપીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં પોલીસે આરોપીઓના વધુ 8 દિવસના માંગેલ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા હતા.
આરોપીઓ તરફથી બચાવ પક્ષના વકીલ ઇકબાલ વ્હોરા, મોહમ્મદ કાસિમ વ્હોરા અને શોકત ઇન્દોરીએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે સરકારી વકીલ જગદીશ વસાવાએ રિમાન્ડ મેળવવા દલીલો કરી હતી. જો કે, કોર્ટે બચાવ પક્ષના વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયા ગામમાં 37 આદિવાસી પરિવારોના 100 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. જેમાં બળજબરી પૂર્વક અને લોભ લાલચથી ધર્મ પરિવર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે આમોદ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે, પોલીસની તપાસ વચ્ચે ગામમાં પરિશ્રમ કરીને ગુજરાન ચલાવતા ધર્મ પરિવર્તન કરનાર પરિવારોની હકીકતો પણ સામે આવી હતી. જેમાં સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અપનાવી, વિના લોભ લાલચે પરિશ્રમ કરી જીવનનું ગુજરાન ચલાવતા હોવાનો મહિલાઓએ સ્વીકાર કર્યો હતો.
હાલાકી સમગ્ર ઘટનાનો મુદ્દો ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને ઉઠ્યો હોવાનું અને દર ચૂંટણી પહેલાં આ મુદ્દો ઉઠતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. હાલ તો કોર્ટ તરફથી આરોપીઓને રાહત મળી છે અને બચાવ પક્ષના વકીલો દ્વારા જામીન મેળવવા મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ પોલીસે પણ તપાસમાં આ મામલે નવા પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે.