ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર રોડની સાઈટમાં કાંસમાં ચાદર ઓઢાડેલો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. આ મૃતદેહ દહેજથી સેલવાસ પી.ટી.ઈ પાઉડરની ડીલીવરી કરવા નીકળેલા ટ્રકના ડ્રાઈવર મુકેશ યાદવનો હતો. તેની ટ્રક કીમ પાસેથી મળી આવી હતી. જેની કેબીનમાં લોહીના ડાઘા અને ટ્રકમાં રાખેલો પાઉડર ગાયબ છે. જેથી નબીપુર પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. મુકેશ સાથે જ ટ્રકમાં નીકળેલા બે શખ્સો સંપર્કથી દુર છે. તેમનો કોઈ પતો ન હોવાથી ઘટનાને આ બે શખ્સોએ જ અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
લૂંટ વિથ મર્ડરના આ ચકચારી બનાવ અંગે મૃતક મુકેશ યાદવનાં ભત્રીજા નવલ કિશોર યાદવે ફરીયાદ નોંધાવી છે. બંને કાકા-ભત્રીજા મૂળ બિહારના રહેવાસી અને હાલમાં સુરત હજીરામાં આવેલી એમ.આર.શાહ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં. નવલના કહ્યા મુજબ 27મી તારીખે તેના કાકાનો ફોન આવ્યો હતો કે, તે દહેજથી જી.જે 12 ઝેડ 3365 લઈને રાત્રે દોઢ વાગ્યે સેલવાસ જવા રવાના થયા છે.બીજા દિવસે સવારે જ્યારે તેણે કાકાને ફોન કર્યો તો તેમણે ઉપાડ્યો નહીં. પછી સતત ફોન કરવા છતાં વાત થઈ નહોતી. બપોરે સુપરવાઈઝરે કહ્યુ કે તારા કાકા અને તેમની સાથે નીકળેલા નુરૂલહોદા ઉસ્માનહોદા અને અબ્દુલ અજીજ નુરઆલજી ત્રણેયના ફોન બંધ આવે છે અને ગાડી હજુ સુધી સેલવાસ પહોંચી નથી. જેથી અમે અમારા કાકાની શોધખોળ ચાલુ કરી હતી.29 ઓક્ટોબરે આ ટ્રક કીમ પાસેથી મળી આવ્યો હતો. જેની કેબીનમાં લોહીના નિશાન હતા અને ગાડીમાં રહેલો પી.ટી.ઈ પાઉડરનો જથ્થો ગાયબ હતો. જેથી કોઈ અઘટીત ઘટના બની હોવાનું સ્પષ્ટ થઈ ગયુ હતું. ત્યારપછી સુરતથી -ભરૂચ વચ્ચે હાઈવેની બંને સાઈટ પર તપાસ કરી હતી. આ દરમિયાન રવિવારે નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ નજીક વગુસણા ગામના પાટિયા પાસે ગુરૂદ્વારાની સામે રોડની સાઈટમાં કાંસમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને ચાદર ઓઢાડેલી હતી અને મૃતદેહ વિકૃત હાલમાં હતો. જે મારા મામાનો જ હતો. જેથી અમે આ અંગેની ફરિયાદ નજીકના નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
નબીપુર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. મુકેશ સાથે ટ્રકમાં બેઠેલા બંને શખ્સો ગાયબ છે. ટ્રકમાં પાઉડરના જથ્થાની બિલ્ટી પણ નથી, બંનેનો સંપર્ક થઈ શકતો નથી. જેથી લૂંટ અને હત્યા આ બંને એ જ કરી હોવાની પ્રબળ સંભાવના છે. જેથી પોલીસે બંને સામે ખુન અને લૂંટનો ગુનો દાખલ કરી બનેને પકડવાની કવાયત હાથ ધરી છે.આ કેસની તપાસ કરતાં નબીપૂર પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટ જે.એમ.જાડેજાએ જણાવ્યુ હતું કે, આ પી.ટી.ઈ પાઉડર કાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ છે. ટ્રકમાં 25 લાખની કિંમતનો પાઉડરનો જથ્થો છે. હત્યારાઓ સેલવાસ રહે છે. મૃતક અને હત્યારાઓ એક જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. જો કે, મૃતકને આ કંપનીમાં 7-8 વર્ષ થઈ ગયા છે. જ્યારે હત્યારાઓ નવા નવા લાગ્યા હતાં. બંને ઉત્તર પ્રદેશના છે. બંને ને પકડી પાડવા ટીમ બનાવી છે.