ભરૂચ જિલ્લા નવનિયુક્ત કલેકટર તરીકે તુષાર સુમેરાએ શનિવારે પદગ્રહણ કરવા સાથે જ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા. 31 ઓક્ટોબર સરદાર જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં સમહર્તાના અધ્યક્ષ સ્થાને એકતા શપથનો કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે અધિકારી – કર્મચારીઓ શપથ લઇ કટિબધ્ધ થયા હતા. રાષ્ટ્રની એકતા , અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લીધા હતા. નવનિયુકત કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકે તુષાર સુમેરાની નિમણૂંક થતાં તેઓએ પોતાનો ચાર્જ આજ રોજ સંભાળી લીધો છે. 2012 ની બેચના ડાયરેકટ IAS તરીકે નિમણૂંક થતાં આસીસ્ટન્ટ કલેકટર- મોરબી , ડીડીઓ નવસારી , રીજીયનલ કમિશ્નર , મ્યુનિસિપાલિટી- ભાવનગર , મ્યુનિસિપલ કમિશ્નર જુનાગઢ અને છેલ્લે કલેકટર- બોટાદ તરીકે પોતાની ફરજો બજાવી હતી.
ચાર્જ સંભાળતાની સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે એકતા શપથ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં નવનિયુકત કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું. એક ભારત- શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ 31 ઓકટોબરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના અનુસંધાને કલેકટર કચેરી સભાખંડમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા રાષ્ટ્રની એકતા , અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા , દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા , દેશ માટે પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ , પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ સહિત કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં આવેલા સરકારી કચેરીઓમાં અધિકારી કર્મચારીઓ ધ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા.