ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પ્રિ – વાઇબ્રન્ટ સમિત યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વરચ્યુલ ઉપસ્થિતિમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રિ-વાયબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમના વિકાસ થકી જ સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્યભરમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે. તેમણે ખેડૂતોને ખેત ઉત્પાદનમાં બિનજરૂરી ખાતરો, દવાઓ, બિયારણોનો વધુ પડતો ઉપયોગ ટાળીને પ્રાકૃત્તિક ખેત પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ કોન્કલેવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરચ્યુલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા માન.રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજ્યકક્ષાનું કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રવિણ રાંકે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાના વિવિધ વિભાગના અધિકારીગણ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.