•નવા પ્લાન્ટમાં ગેસ ગળતરના કારણે મોત થયું હોવાનું અનુમાન
•આ અગાઉ ૨૦ નવેમ્બરના પણ ગેસ લાગવાથી બે કર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના દહેજ વિલાયત જી.આઈ.ડી.સી.ની બિરલા ગ્રાસીમ કંપનીમાં ગેસ ગળતરથી 1 કામદારનું મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અગાઉ પણ તા. ૨૦ નવેમ્બરના રોજ ગેસ લાગવાથી બે કર્મીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વિલાયત જી.આઈ.ડી.સી.ની બિરલા ગ્રાસીમ કંપનીમાં આજરોજ પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈ કારણ સર ગેસ ગળતર થતા તેના ગેસની અસર થી નજીક કામ કરી રહેલ મૂળ મધ્યપ્રદેશના નાગદાનો વિવેક શ્રીવાસ્તવ ઉ.વ.૪૩ હાલ રહે, માતૃછાયા એપાર્ટમેન્ટ, તવરા રોડ, ભરૂચ નું મોત નીપજ્યું હતું.અચાનક સાથી મિત્રના મોતના પગલે સહકર્મીઓમાં ગમગીની છવાઇ હતી.
આ ઘટનામાં મૃતકની લાસને મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાઇ હતી.બનાવ સંદર્ભે પોલીસે મૃતક પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ યેનેકેન પ્રકારે કંપની સત્તાધીશો એ વાતને દબાવી દેતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.