- મગજ ચેતાતંત્ર અને કરોડરજ્જુ ની શસ્ત્રક્રિયાઓ ને સરળ બનાવતું ન્યૂરો સર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ ધારાસભ્ય અનુદાન વડે મળ્યું
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મધ્ય ગુજરાતની સૌ થી મોટી સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગને મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્રને લગતી ખૂબ જ સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ વધુ ચોકસાઈ અને સચોટતા સાથે કરવા માટે નિતાંત જરૂરી નવીન અને અતિ અદ્યતન ન્યૂરો સર્જીકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ માટે વિધાયક અનુદાન ફાળવ્યું હતું.તેમાં થી વસાવવામાં આવેલા આ જીવન રક્ષક તબીબી ઉપકરણનું તેમણે આજે ઉપરોક્ત વિભાગની મુલાકાત લઈને લોકાર્પણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે ન્યુરો સર્જરી વિભાગ પાસે ખૂબ જૂનું માઈક્રોસ્કોપ હતું જેના લીધે મગજ અને કરોડરજ્જુ ની જટિલ શસ્ત્રક્રિયાઓ અસંભવ બની ગઈ હતી અને રોગ પીડિતોને તેના માટે અમદાવાદ જવું પડતું.પરિણામે તેમને વધુ સમય અને નાણાં ખર્ચવાની હાલાકી પડતી.આ અદ્યતન માઈક્રોસ્કોપ ને લીધે હવે અમદાવાદના આંટાફેરા અટકશે.
અદ્યતન અને એડવાન્સ માઇક્રોસ્કોપ સર્જન માટે ત્રીજી આંખ સમાન ગણાય તેવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે યોગેશભાઈ પટેલના અનુદાન થી મળેલા આ તબીબી ઉપકરણ થી ન્યુરો સર્જરી વિભાગમાં વધુ સચોટ શસ્ત્રક્રિયાઓ થઈ શકશે.ખૂબ ચોકસાઈ, પ્રિસિઝન ( બારીકાઇ),અને મેગ્નીફિકેશન થી સર્જરીઓ થઈ શકશે જેના ખૂબ સારા પરિણામો મળશે.ધારાસભ્યએ આ માત્ર એક ઉપકરણ માટે ન્યૂરો સર્જરી વિભાગને સૌ થી મોટું અનુદાન ફાળવ્યું,તે માટે ડો.રંજને એમનો હાર્દિક આભાર માન્યો હતો.