- હકડેઠઠ્ઠ માનવ મહેરામણ ઉમટશે
પંખી, નદીયાં પવન કે ઝોંકે..કોઈ સરહદના ઇન્હેં રોકેં… જો કે સરહદની આ અદ્રશ્ય રેખાઓ લોક સમુદાયોની બોલી,સંસ્કૃતિ, પરંપરાઓ,વિધિવિધાનો,તહેવારો,ઉત્સવો, મેળાઓ,સંગીત,નૃત્ય અને ગીતો,પહેરવેશ અને આભૂષણો ને જુદાં પાડી શકતી નથી.
જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર,ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારો ના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે.આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભગુરિયાના નામે ઓળખાતા હોળી પહેલાના સાપ્તાહિક હાટ,હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓ નો સમાવેશ થાય છે.
આવતીકાલ સોમવારના રોજ ગુજરાતના કવાંટ ની સાથે મધ્ય પ્રદેશના અલીરાજપુર અને ભાભરા ( વીર ચંદ્રશેખર આઝાદનું જન્મ સ્થળ) ખાતે સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને વાંહળી ના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતા હોળી મેળાઓ ભરાવાના છે. દશેરાના મેળા પછી પિહવા વગાડવાનું બંધ કરીને વાંહળી વગાડવામાં આવે છે. દિવાસા થી પીહવા અને અખાત્રીજ થી ઘાઘરી નામનું વાદ્ય વગાડવા માં આવે છે.
કવાંટનું ભંગોરિયું અને હોળીના ધુળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે જેનું શ્રેય એક સમયે આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિઓ થી ધમધમતા રંગપુર( કવાંટ) ના આનંદ નિકેતન આશ્રમ ને જાય છે જેને લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા.સૂત્રો પાસે થી મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે ભંગોરિયા ના હોળી હાટો ની શરૂઆત ૧૧ મી માર્ચ થી થઈ હતી અને તા.૧૭ મી માર્ચ સુધીમાં સરહદની બંને બાજુના ગામો/ નગરોમાં ૨૫ જેટલા ભંગોરિયા ભરાઈ રહ્યાં છે.