• બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
  • ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.

આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. જેમાં ભાજપના ૧૪ સદસ્યો અને અપક્ષના ૧૦ સદસ્યો છે.ગત ૯મી ફેબ્રુઆરીના રોજ આમોદ પાલિકાના વિપક્ષી સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ તથા અન્ય સદસ્યોએ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નોટીસ મોકલી હતી.

ત્યારે બાદ આમોદ પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલે ત્રીજી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખ સામે આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે ખાસ સામાન્ય સભા બોલાવી હતી.જેમાં આમોદ પાલિકાના અપક્ષના ૧૦ સદસ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.જ્યારે ભાજપના સાત સદસ્યોએ પણ ભરૂચ જિલ્લા ભાજપના વ્હીપનો અનાદર કરીને પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.

જેથી ભાજપની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.ત્યારે ભાજપે આમોદ પાલિકામાં મળેલી સત્તા એક જ વર્ષના ટૂંકા સમયમાં ગુમાવતાં ભાજપના બળવાખોર સદસ્યોને મનાવવા ભારે ધમપછાડા કર્યા હતાં.જેમાં ભાજપે બે સદસ્યો નામે બાનુબેન છત્રસિંહ ચૌહાણ તેમજ ગીતાબેન રણછોડ પટેલને મનાવી લેતાં તેમણે પોતે આમોદના નોટરી સમક્ષ સોગંદનામું કરીને પોતે ભૂલથી અને અજ્ઞાનતાને કારણે અવિશ્વાસની તરફેણમાં મત આપ્યો હોવાનું જણાવ્યું હતું.અને ભાજપમાં જ રહ્યાં હતાં.જ્યારે બીજા પાંચ સદસ્યો ઉપર ભાજપે એડીચોટીનું જોર લગાવવા છતાં પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યાં હતાં.

જેથી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભાજપના બળવાખોર પાંચ સદસ્યો નામે કમલેશભાઈ સોલંકી,રણછોડભાઈ રાઠોડ,રમેશભાઈ વાઘેલા,દક્ષાબેન પરમાર,તથા કૈલાસબેન વસાવા સામે કારણ દર્શક નોટીસ મોકલી જણાવ્યું હતું કે આમોદ પાલિકાની ત્રીજી માર્ચના રોજ ભાજપે વ્હીપ આપીને તમોને પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની તરફેણમાં મતદાન કરવા જણાવ્યું હતું છતાં તમોએ ભાજપે આપેલા વ્હીપનો અનાદર કરી વિરુધ્ધમાં મતદાન કર્યું હતું.જે બાબતે તમને ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો આપવા જણાવ્યું હતું જો ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપવામાં આવે તો પક્ષાંતર ધારાના નિયમો અનુસાર કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here