ભરૂચ આંગણવાડી મંડળની પ્રમુખ અને ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને રૂ. 1.54 કરોડની ઠગાઈ કેસમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીને ઝડપ્યા બાદ વધુ એક ભેજાબાજને ઝડપી લીધો છે.
ભરૂચની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નિરૂબેન સુરેશ આહીર ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેઓ યશોદા મૈયા વર્કર એન્ડ હેલ્પર આંગણવાડી પણ ચલાવે છે. વર્ષ 2020માં તેમની 25 વર્ષ જુની મંગલેશ્વર ગામની બહેનપણી નયનાબેન જયંતી ટેલર થકી તેમની ગણેશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. જે આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને મુંબઈમાં માઈક્રો બેંક ચલાવતા હતા.
ગણેશ પટેલે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સામે 4થી સાડા ચાર ટકા વળતરનું જણાવી નિરૂબેન, તેમની દીકરી દ્રષ્ટિ, જમાઈ ધ્રુવ પટેલના રૂપિયા 1 કરોડ 45 લાખની રકમનું અને નયનાબેનના 14 લાખનું રોકાણ કરાવ્યું હતું. જેના બાદ ત્રણ-ચાર મહિના વળતર આપ્યા બાદ નહિ ચૂકવતાં તેની સામે ગણેશ પટેલે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. અંતે નિરુબેન આહીરે એ ડિવિઝન ખાતે મંગલેશ્વરના ગણેશ પટેલ સામે રૂ. 1.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં એ ડિવિઝન પોલીસે અગાઉ ગણેશ પટેલને ઝડપી લીધા બાદ નિશિત મહિડા નામના બીજા આરોપીને પણ પકડી પાડ્યો છે.