ભરૂચના કાંકરિયા ગામમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તન વિવાદ મામલે કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો સામે આવી છે.ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યિલ સરકારી વકીલને ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી સરકારી વકીલને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે.

ધર્મ પરિવર્તન મામલે 8 આરોપીઓની જામીન અરજી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. જામીન અરજીઓના વિરોધ સાથે સરકારે હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારા તથ્યો મૂક્યા છે. ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ ખાડી દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને અપાયું હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકાઈ છે. આ ફંડ આફની ટ્રસ્ટ અને બૈતુલ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે બાદ બંને ટ્રસ્ટ મારફતે 48 વખત 49000નું ટ્રાન્જેક્શન થયું હતું.

સુનાવણી દરમિયાન એ પણ મહત્વની વાત સામે આવી છે કે, ધર્મ પરિવર્તન બાદ તેમના આધાર કાર્ડને તૈયાર કરવાની અને ગેજેટમાં સુધારવાની કામગીરી સુરત કરવામાં આવતી હતી. સામાપક્ષે આરોપીઓ તરફથી રજૂઆત કરાઈ છે કે, તેમને ધર્મ પરિવર્તનની પ્રક્રિયા કાયદા પ્રમાણે જ કરી છે. જોકે, સરકાર દ્વારા રજૂઆત કરાઈ છે કે, ધર્મ પરિવર્તન માટે તેમને કલેક્ટર સમક્ષ રજૂઆત નથી કે કોઈ પણ પ્રક્રિયા નથી કરી.

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામે વર્ષ 2021 નવેમ્બર મહિનામાં ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો. જેમાં 37 પરિવારના 100 લોકોને લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે બાબતે કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ આરોપી મૌલવીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓએ જામીન માટે અરજી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here