ભરૂચના મનુબર ચોકડી ખાતે ઇલાહીપાર્કમાં પરીવાર સાથે રહેતા ૧૭ વર્ષીય તોહીદ તૈયબ ઉધરાદાર તા. ૫મીની બપોરે ગરમીના કારણે પોતાના મિત્રો સાથે કલાદરા ગામે નદીએ નહાવા ગયો હતો. જ્યાં પાણીમાં ખેંચાઇ જતા ડૂબી જવાના પગલે આશાસ્પદ કિશોરનું મોત નીપજ્યું હતું.
ભરૂચના ઇલાહીપાર્ક મનુબર ચોકડી ખાતે રહેતા ૧૭ વર્ષીય કિશોર તોહીદ ગતરોજ તા.૫મીની બપોરે પોતાના મિત્રો શોભાન દાઉદ પટેલ,મહંમદ દાઉદ પટેલ, ફૈયાઝ દિલાવર પટેલ,મહંમદ ઇલ્યાસ પટેલ સાથે કલાદરા ગામે નર્મદા નદીમાં નહાવા ગયા હતા જયાં બપોરે ૩.૩૦ની આસપાસ અચાનક તોહીદ ઉધરાદાર પાણીમાં ખેંચાયો હતો. પોતાનો મિત્ર પાણીમાં ખેંચાવા લાગતા તેના સાથી મિત્રોએ તેને બચાવવા પ્રયત્નો કરવા સાથે બચાવો બચાવોની બુમો પાડતા નદી કિનારે લોકો એકત્રીત થયા હતા અને પાણીમાં તોહીદની શોધ આરંભી હતી. ઘટનાની જાણ દહેજ પોલીસને કરાતા પોલીસ ટીમ પણ કલાદરા દોડી ગઈ હતી અને તોહીદને બોટ મરફતે શોધવા કવાયત હાથ ધરતા તા.૬ના રોજ સાંજે કલાદરા નદીમાંથી તોહીદનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તોહીદની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.
ઉલ્લેખનીય છે કે ડૂબી જવાથી મોતને ભેટનાર તોહીદે તાજેતરમાં જ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. અચાનક તોહીદ મોતને પગલે તેના પરિવાર સહિત મિત્રો અને ઇલાહીપાર્કમાં ગમગીની ફેલાઇ હતી.