ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ મારૂતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે લક્ઝરી ચાલકે મોપેડ સવાર બે સગી બહેનોને ટક્કર મારતાં સારવાર મળે તે પહેલા જ મોટી બહેનનું મોત નીપજ્યું હતું.
ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી રોશન પાર્ક સોસાયટીમાં રહેતી 18 વર્ષિય આતિકા શકીલ ધનજી અને તેની મોટી બહેન અફીકા શકીલ ધનજી ગઇકાલે ગુરૂવારે સવારે પોતાની બર્ગમેન મોપેડ નંબર-જી.જે.16.ડી.એફ.1277 લઇ ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા મેકડોનલ્ડ્સ ફાસ્ટ ફૂડ કાફેમાં નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર મારૂતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા લક્ઝરી ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બંને બહેનો માર્ગ ઉપર ફંગોળાઈ ગઈ હતી. જેમાં મોટી બહેન અફીકા શકીલ ધનજીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે દોડી આવેલા લોક ટોળાએ 108 સેવાને જાણ કરતાં 108 એમ્બ્યલન્સ ટ્રાફિકજામ હોવાને પગલે સમયસર નહિ પહોંચતા ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક રિક્ષામાં ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.