પીએમ મોદીને રાજકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પહેલો લતા દીનાનાથ એવોર્ડ આપવામાં આવ્યો છે. માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને મંગેશકર પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી કલાકારોને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ હવેથી લતા મંગેશકરના નામ પર આપવામાં આવનાર પહેલો એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. લતા દીનાનાથ નામનો આ પુરસ્કાર દર વર્ષે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર આપવામાં આવશે.
પીએમ મોદીએ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે આશા ભોંસલે, ઉષા મંગેશકર, આદિત્યનાથ મંગેશકરના હાથે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ એવોર્ડ દેશના લોકોને સમર્પિત કર્યો. તેમણે કહ્યું કે લતા દીદી લોકોના છે. તેથી, હું આ એવોર્ડ દેશના લોકોને સમર્પિત કરું છું. પીએમે કહ્યું કે તેઓ સામાન્ય રીતે કોઈ એવોર્ડ સ્વીકારતા નથી, પરંતુ આ એવોર્ડ અલગ છે. જેમાં બહેનનું નામ છે. મંગેશકર પરિવારના પ્રેમનું પ્રતિક છે. મંગેશકર પરિવારનો મારા પર અધિકાર છે. તેથી, હું આ એવોર્ડ સ્વીકારવાની તક ગુમાવી શકું નહીં.
આ અવસર પર લતા દીદીને યાદ કરતાં પીએમે કહ્યું કે આ પહેલું રક્ષાબંધન હશે જ્યારે દીદી તેમની વચ્ચે નહીં હોય. પીએમ મોદી આ એવોર્ડ સ્વીકારવા માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતથી સીધા મુંબઈ પહોંચ્યા હતા. તેઓ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા.
પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર સ્વીકાર્યા બાદ પીએમ મોદીએ શ્રી સરસ્વત્ત્યે નમઃ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આદરણીય હૃદયનાથ મંગેશકરજી પણ આવવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી શક્યા ન હતા. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. હું સંગીતનો જાણકાર નથી, પણ હું જાણું છું કે સંગીત પણ એક પૂજા છે અને એક લાગણી પણ છે.
સંગીતનો સ્વર તમને અલગતાનો અહેસાસ આપી શકે છે. સંગીત તમને માતૃત્વની અનુભૂતિ કરાવી શકે છે. સંગીત તમારામાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરી શકે છે. લતા દીદીને સાંભળવાનો લહાવો અમને મળ્યો છે. લતા દીદી સાથેનો મારો પરિચય ચાર-પાંચ દાયકા પહેલાનો છે. સુધીર ફડકેજીએ મારી ઓળખાણ કરાવી હતી. હું તેને ગર્વથી દીદી કહું છું અને તે મને નાના ભાઈનો પ્રેમ આપતા હતા.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘હું આ એવોર્ડ ભારતના લોકોને સમર્પિત કરું છું. જેમ તે લોકોની હતી, તેવી જ રીતે તેમના નામે મને આપવામાં આવેલો આ એવોર્ડ પણ લોકોને સમર્પિત છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું, દેશ માટે જે યોગદાન આપ્યું છે તેના માટે અમે બધા મંગેશકર પરિવારના ઋણી છીએ. અંતમાં પીએમ મોદીએ કહ્યું, કોરોના સમયગાળા દરમિયાન દેશમાં ગરીબો માટે કામ કરતી હોસ્પિટલોની સંખ્યામાં પુણેની મંગેશકર હોસ્પિટલનો મોટો ફાળો હતો. હું મંગેશકર પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે દીદીના નામે આ પ્રથમ એવોર્ડ માટે મને પસંદ કર્યો.