
પીએમ મોદી વિકાસ યાત્રા પર ગુજરાત આવી પહોંચ્યાં હતા.અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો સામે પીએમ મોદીએ પણ બાળકીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દિપપ્રાગટ્ય કર્યું અને સમીક્ષા કરી. તો કેન્દ્રમાં તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું.
ગુજરાતના શૈક્ષણિક કાર્યો સાથે આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન સ્ટાફ અને 2.5 લાખ કરતા વધારે કર્મચારીઓ જોડાયેલા છે. આ તમામનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ પર સતત ધ્યાન રાખવા અને તેમાં સુધારણા કરવા માટે 2019માં શિક્ષણ વિભાગે દેશમાં પ્રથમ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ઉભી કરી હતી.
આજના કાર્યક્રમ પછી 19મી એપ્રિલે વડાપ્રધાન મોદી જામનગર જશે અને અહીં વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન, વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડિરેક્ટર જનરલ, આયુષ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.. આ ભારત સહિત ગુજરાત માટે મહત્વની બાબત બની રહેશે.
પોતાના પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 20મી એપ્રિલના રોજ વાડપ્રધાન સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રિ દિવસીય આયુષ સમિટને ખુલ્લો મૂકશે. અહીંથી તેઓ 3.30 વાગ્યે દાહોદ જશે અને અહીં પાણી પુરવઠા, દાહોદ સ્માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્ટેશન, પંચાયતના ભવનો અને આંગણવાડી સહિતની પરિયોજનાઓનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.