લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું શહેરની વિવિધ સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એસોસિયેશનો, સમાજ સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું.
ધ ગ્રાન્ટ ભગવતી હોટલ ખાતે આયોજિત સન્માન સમારોહ પ્રસંગે ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, વિશ્વના ઝડપથી વિકસી રહેલા વિકાસ અગ્રેસર શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ સૌને પ્રેરણા આપનાર રહ્યો છે. સૂરતે સામાજિક અને આર્થિક રીતે વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે.
ઓમ બિરલાએ કહ્યું કે, આદરણીય મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ સાહેબની ભૂમિ ગુજરાતે હંમેશા દેશને નવી દિશા આપી છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્રો સાથે દેશને આઝાદ કરવા માટે લડત ચલાવી હતી. દુનિયા મહત્તમ દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અમીટ છાપ ઉભી કરી છે. ગુજરાતીઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો છે તે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનુ યોગદાન આપ્યું છે. યુગપુરૂષોની ભૂમિ ગુજરાતમાં આવું છું, ત્યારે મને અહીંથી નવી ઉર્જા અને લોકસેવાની નવી પ્રેરણા મળે છે એમ અહોભાવથી જણાવ્યું હતું.
બિરલાએ વધુમાં જણાવ્યું કે, ભારત દેશ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશને આઝાદ કરવા માટે મહામૂલુ બલિદાન આપનારાઓને યાદ કરવાનો મહોત્સવ છે. સૌ કોઈને સમર્પણભાવના સાથે દેશને નવી ઉંચાઈએ લઈ જવાનો અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબહેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત એ સમગ્ર ભારતમાં મિની ભારત તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાંથી આવેલા લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જણાવી લોકસભાના સ્પીકરશ્રી ઓમ બિરલાને ગરવી ગુજરાત અને સુરતની ભૂમિ પર આવકાર્યા હતા.
આ અવસરે શહેરના અગ્રવાલ સમાજ, સિંધી સમાજ, રાજપૂત સમાજ, રાજસ્થાન જૈન સમાજ, શ્રી સાલાસર હનુમાન સેવા, રાજસ્થાન જૈન સેવા, રાજસ્થાન જૈન સમિતિ, રાજસ્થાન સેવા ફાઉન્ડેશન, દધિચ બ્રાહ્મણ સમાજ, ડાયમંડ એસોસિયેશ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, વિવેક પટેલ, ઝંખનાબેન પટેલ, વી.ડી. ઝાલાવાડીયા, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી, વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.