ભરૂચ જિલ્લામાં રેતી-માટીની લિઝોનો મામલો વિવાદની એરણે છે. સાંસદ મનસુખભાઇ વસાવાએ લીઝો અને ટ્રાન્સપોર્ટરોની સામે બાંયો ચઢાવતા મામલો વધુ ગરમાયો હતો. આ બધાની વચ્ચે ભરૂચ જિલ્લાના રેતી અને માટીના લીઝ ધારકો તથા ટ્રાન્સપોર્ટરોએ સાંસદ મનસુખભાઇ વસાવાનો રૂબરૂમાં મળી વિવિધ મુદ્દાઓ પર રજુઆત કરી હતી.
લીઝ અને ટ્રાન્સપોર્ટરોના આગેવાનોમાં અનિલ રાણા, અશોક રાણા, નિશાંત મોદી, અમિત ચાવડા, કૌશિક પટેલ, વિક્રમભાઈ પટેલ, કનુભાઈ પરમાર, વિપુલ વેકરિયા સહિતના આગેવાનોએ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાનો લિઝને લગતા પ્રશ્નો, ટ્રાન્સપોર્ટેશન અને પોલીસ તથા મામલતદારની હેરાનગતિ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી.
લીઝ ધારકો અને ટ્રાન્સપોર્ટરોના કહેવા મુજબ પોલીસ તથા મામલતદાર ઘ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે તે દૂર થવી જોઈએ. રેતી અથવા માટી ભરેલી ગાડીઓ ઓવરલોડ હોય ત્યારે તંત્ર ઘ્વારા ગાડી ડિટેઇન કરી પાર્કિંગ ચાર્જ રૂપિયા એક લાખ વસુલવામાં આવે છે. જેના સ્થાને ગાડી ને સ્થળ પર જ દંડ કરી છોડી દેવી જોઈએ. તથા પાર્કિંગ ચાર્જ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.
ઘણી વાર લિઝના સ્થળ પર નેટવર્ક ન હોવાથી સ્થળથી એક બે કિલોમીટર દૂર કનેક્ટિવિટી મળતા રોયલ્ટી પાસ મળે છે. પરંતુ લિઝમાંથી ગાડી નીકળે કે તરત જ તંત્ર ઘ્વારા રોયલ્ટીના મુદ્દે ગાડી ડિટેઇન કરવામાં આવે છે. જે અન્યાયકર્તા છે. આવા સંજોગોમાં લીઝ સ્થળ થી નેટવર્ક મળે તેટલા અંતરની મર્યાદા નક્કી કરાવવા સાંસદને અપીલ કરી હતી.