- ગંગા અને યમુનાની જેમ નર્મદાને પણ શુદ્ધ રાખી તે નિરંતર વહે તેવું કાર્ય ઉપાડવા પત્ર લખ્યો
ભરૂચના સાંસદ MP મનસુખ વસાવાએ વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નર્મદા નદીમાં મધ્યપ્રદેશથી ગુજરાત સુધી ઠલવાતા પ્રદુષણ અને ઠેર ઠેર ગેરકાયદેસર ખનન વિશે રજૂઆત કરી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા, યુમના વગેરે નદીઓના શુદ્ધિકરણનું ભગીરથ અભિયાન ચલાવ્યું છે. ત્યારે નર્મદા નદી પણ ભારતની એક પ્રમુખ તેમજ પવિત્ર નદી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાતના ભરૂચમાં અરબી સમુદ્રને મળે છે. આજે નર્મદા નદીમાં ઉદગમથી લઈ સમુદ્ર સંગમ સ્થાન સુધી બંન્ને રાજ્યોમાંથી ઉદ્યોગો સહિતનું પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા નદીમાં ઠલવાતા પ્રદુષણને લઈ ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. લાખો લોકો રોજ નર્મદા સ્નાન કરે છે અને એકમાત્ર નદીની પરિક્રમા પણ. સાથે જ બંન્ને રાજ્યોમાં વહેતી નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનનને લઈ તેનો પ્રવાહ પણ બાધિત થઈ રહ્યો છે.
જેને લઈ માછીમારો અને ખેડૂતોને પણ આજીવિકા ઉપર અસર પડી રહી છે. નર્મદા નદી ઉપર બંધો (ડેમ)ની શૃંખલાને કારણે તેનો પ્રવાહ સંકોચાઈ ગયો છે. ક્યાંક નદીનો પટ સાંકડો તો ક્યાંક શુષ્ક થઈ ગયો છે. જેને ધ્યાને લઇ તાત્કાલિક અને નિરંતર ડેમો માંથી સતત પાણી છોડી નદીને જીવંત અને ખળખળ વહેતી રાખવા સાંસદે પત્ર મારફતે રજૂઆત કરી છે.