• સહીસલામત માદરેવતન પહોંચતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
  • વાલીઓએ હર્ષાશ્રુ સાથે મીઠાઈ વહેંચી: જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુચ્છગુચ્છ આપી સ્વાગત કર્યું

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે ભારતના વિદ્યાર્થીઓ, નાગરિકોને હેમખેમ વતન લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત આજરોજ સુરતના ૩૫ વિદ્યાર્થીઓની વતનવાપસી થઈ હતી. સંતાનો સાથે સુખદ મિલન થતા પરિવારના સભ્યોએ હર્ષના આંસુઓ સાથે મીઠાઈ વહેચીને સરકારનો આભાર માન્યો હતો.

અમદાવાદ ખાતેથી બસ મારફતે સુરત સરકીટ હાઉસ ખાતે સાંજે ૪.૪૫ વાગે આવી પહોચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સર્વ નાયબ કલેકટર (પ્રોટોકોલ) અનિલ ગોસ્વામી, જમીન સુધારણાના નાયબ કલેકટર એમ.એમ. પટેલ, ડિઝાસ્ટર મામલતદાર કે.એમ.ઢિમર, અડાજણ મામલતદાર કલ્પનાબને પટેલે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી અને સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પ્રશાંત ટાંક પોતાના ૨૩મા જન્મદિવસે સ્વગૃહે સુરક્ષિત આવી પહોચતા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી. પ્રશાંતે પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું, “યુક્રેનમાં અચાનક ફાટી નીકળેલી યુદ્ધની પરિસ્થિતિથી ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમા સતત યુદ્ધ ચેતવણીની સાયરન વાગતી હતી. ભારતીય દુત્તાવાસ તરફથી મળતી સુચના મુજબ યુક્રેનની સરહદ વટાવવી આવશ્યક હતી, જેથી અમે સૌ જરૂરી સામાન લઈ આશરે ૧૫ કિમીનું અંતર પગપાળા કાપ્યું હતું. પરંતુ ઘરે પરત ફરવાની આશામાં થાક અનુભવાયો ન હતો. અંતે પોલેન્ડની શેની સરહદથી ભારતમાં સ્‍થિત યુક્રેનના રાજદૂત અને યુક્રેન સ્‍થિત ભારતના રાજદૂતના પરસ્‍પર સહયોગથી ‘ઓપરેશન ગંગા’ અન્‍વયે એર ઇન્‍ડિયાની ખાસ ફલાઇટ દ્વારા સહીસલામત મુંબઈ અને ત્યાંથી ખાસ વાહનમાં સુરત આવી શક્યા છીએ, જેનો ખુબ આંનંદ છે.’ વધુમાં પ્રશાંતે સહીસલામત વતનવાપસી થતાં જન્મદિનની ખુશી વ્યક્ત કરતા ભારત અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here