ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતાં એક યુવાન સાથે 6 મહિના પહેલાં તેના મિત્ર સાથે કારનો સોદો થયો હોવા છતાં તેન 1.35 લાખ હજી નહીં આપતાં યુવાને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેના પગલે ઉશ્કરાયેલાં મિત્રએ તેને તમાચા મારી રૂપિયા નહીં આપે તેમ કહીં જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલાં કુંભારિયા ઢોળાવ ખાતે રહેતા મનોજ જગદિશ ખંભાતાને શહેરના પાંચબત્તી સર્કલ પાસેના બીજી ટ્રેડ સન્ટરમાં ઓફિસ ધરાવતાં ફારૂક ગુલામશા દિવાન સાથે મૈત્રી હતી. દરમિયાનમાં 6 મહિના પહેલાં તેમની વચ્ચે એક કારનો સોદો થયો હતો. જેમાં મનોજ ખંભાતાને ફારૂક દિવાન પાસેથી 1.35 લાખ રૂપિયા લેવાના થતાં હતાં. છેલ્લાં કેટલાંક સમયથી તે રૂપિયા આપવા માટે બહાના કરી રહ્યો હતો મનોજ તેના અન્ય એક મિત્ર સાથે ફારૂકની ઓફિસે ગયો હતો.
જ્યાં તેણે બાકીના રૂપિયા બાબતે વાતચીત કરતાં ફારૂકે ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમની સામે ઝપાઝપી કરી હતી. મામલો ગરમાતાં ફારૂકે મનોજ ખંભાતાને તમાચા મારી દઇ જો હવે રૂપિયાની માંગણી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.