આજ કાલ ખાસ કરીને ATM માંથી પૈસા ઉપાડયા બાદ એ વ્યક્તિ સાથે લૂંટના બનાવો અવાર નવાર બનતા જ હોય છે.પરંતુ નર્મદા જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ને મહિલાઓ માટે લાલ બત્તી સમાન કહી શકાય.નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિસ્તારની એક મહિલા ATM માં પૈસા ઉપાડવા ગઇ તો નજીકમાં ઉભેલા 3 ગઠિયાઓએ નજર ચૂક કરી મહિલાનું ATM કાર્ડ કાઢી બીજું ડમી ATM કાર્ડ મશીનમાં નાખી મહિલાના એકાઉન્ટ માંથી 20,500 રૂપિયા ઉપાડી લીધા હતા.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કિસ્સો એવો છે કે ડેડીયાપાડાના ભૂતબેડા ગામના ખેત મજૂરી કરતા અર્જુન ફુલસિંગ વસાવાની પત્ની કુસુમબેન 21/01/2022 ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ ડેડીયાપાડા ચાર રસ્તા પાસે SBI ના ATMમાં પોતાનું ATM લઈ પૈસા ઉપાડવા ગયા હતા.દરમિયાન કુસુમબેન ATM મશીનમાં ATM કાર્ડ નાખી 3,000 રૂપિયા ઉપાડી પૈસા ગણતા હતા અને ATM કાર્ડ મશીન માંથી કાઢવાનું ભૂલી ગયા હતા.મહિલાને પૈસા ગણવામાં તલ્લીન જોઈ નજીક રહેલા 3 અજાણ્યા ગઠિયાઓએ નજર ચૂક કરી ATM મશીન માંથી મહિલાનું ATM કાર્ડ કાઢી લઈ એના જેવું જ બીજું ડમી ATM કાર્ડ મશીનમાં નાખી દીધું હતું.મહિલા જ્યારે પૈસા ઉપાડતી હતી એ દરમિયાન ત્રણ ગઠિયાઓએ મહિલાનો ATM પાસવર્ડ પણ જાણી લીધો હોવાથી મહિલાના ATM થી અલગ અલગ જગ્યાએથી 20,500 રૂપિયા ઉપાડી લીધા હતા.હવે જ્યારે અચાનક મહિલાના એકાઉન્ટ માંથી 20,500 રૂપિયા જેટલી રકમ ઉપડી જતા પોતાનું ATM ચોરી થયું હોવાનું મહિલાને ભાન થયું હતું.બાદ મહિલાએ આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બાબતે ડેડીયાપાડાના PSI બી.એમ.પટેલે જણાવ્યું હતું કે આ ગુનાના આરોપીઓ વડોદરા જિલ્લાના કરજણમાં ઝડપાઇ ગયા છે.કરજણ પોલીસના D સ્ટાફના પોલીસ કર્મીઓને એવી બાતમી મળી હતી કે દક્ષિણ ગુજરાતમાં લોકોના ATM ચોરી પૈસા ઉપાડતી એક ગેંગ વિસ્તારમાં સક્રિય છે.કરજણ D સ્ટાફના કર્મીઓએ વોચ ગોઠવી 3 લોકોને ઝડપી પાડી એમની પુછતાછ હાથ ધરી તપાસ કરતા એમની પાસેથી અલગ અલગ બેંકોના 30 જેટલા ATM કાર્ડ મળી આવ્યા હતા.એ 3 આરોપીઓને વડોદરાથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ડેડીયાપાડા લવાશે અને નર્મદા જિલ્લામાં કેટલા ATM ની ચોરીઓ કરી છે એની પુછતાછ પણ હાથ ધરાશે.

  • વિશાલ મિસ્ત્રી, ન્યુઝલાઇન, રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here