ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આત્મનિર્ભર ગુજરાત બનવાની દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર બન્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ઊર્જાવાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ‘ટીમ ગુજરાત’ તે જ રફતારથી જન-જનનો વિકાસ કરી રહી છે. નક્કર મનોબળવાળા મુખ્યમંત્રીએ પદને સત્તા નહીં, સેવાનું માધ્યમ બનાવ્યું છે. શિક્ષણ હોઈ કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.
રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે રહે તે માટે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ સામે આગવી વ્યવસ્થા ગોઠવી અને આયોજનબધ્ધ પગલાઓ ભરી હોવાની માહિતી આપતાં મંત્રીએ ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ અને વેક્સિનેશનનો બહુપાંખીયો વ્યૂહ અપનાવી કોરોનાને નિયંત્રણમાં રાખવા આપણે વ્યાપક પગલાં લીધાં હોવાનું પણ જણાવ્યું હતું.
દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે આવ્યું છે. ગુજરાતે ઇકોનોમિક ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનયાદી માળખું અને ઉપયોગીતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રમાં પ્રસંશનીય કામ કર્યુ છે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇજીની સ્મૃતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરી રાજ્યના પ્રત્યેક નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓનો લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવા રાજ્યભરમાં અનેક પરિણામલક્ષી કામ કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ધરતીપુત્રોની પડખે સરકાર સદાય ઉભી રહી છે તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, ખેડૂતલક્ષી હિતકારી યોજનાઓની વિગતે માહિતી આપી હતી. તેમણે દરેક આપત્તિઓનો ગુજરાતે મક્કમતાથી સામનો કરીને આપત્તિઓને અવસરમાં પલટાવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગુજરાતે તમામ ક્ષેત્રોમાં આગવા આયોજન સાથે અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવી મંત્રીએ ઉદ્યોગક્ષેત્રે, નારીગૌરવ મહિલા સશક્તિકરણ, ગરીબ-વંચિતોનો સર્વાંગી વિકાસ, ડીજીટલ ગુજરાત, શિક્ષિત ગુજરાત, રાષ્ટ્રીય શિક્ષણનિતી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલીસી, મિશન સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ, પેપરલેસ દિશામાં એક કદમ – ઈ-સરકાર એપ્લીકેશન, શહેરોને સ્માર્ટ સીટી બનાવવા, શાંત-સલામત અને સુરક્ષિત ગુજરાત, દરેક હાથને કામ મળે અને યુવાનોમાં કૌશલ્ય નિર્માણ થાય, જળ સંચય – જળ વિતરણ – જળ વ્યવસ્થાપન, ઉર્જાવાન ગુજરાત, માર્ગ નિર્માણ સૌને માટે આવાસનું કાર્ય જેવી બાબતોમાં હાંસલ કરેલ સિધ્ધિઓની વિસ્તૃત માહિતી આપી હતી.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લાએ પણ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમણે ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા થયેલ કામગીરીની પણ વિગત આપી હતી. અંતમાં ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પ્રતિબધ્ધ બનીએ… ભારત દેશના ઉજ્વળ ભવિષ્ય માટે ગુજરાત એક સંપૂર્ણ વિઝન પૂરવાર થઇ શકે એમ છે. આ પાવન દિને આપણે સૌ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ બનાવવાની દિશામાં આગળ વધવા માટે સંકલ્પબધ્ધ બનીએ.
આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત તેમજ વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ વેળાએ મંત્રીશ્રી ધ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. સી.એસ.આર. પ્રોજેક્ટના ભાગરૂપે પખાજણ પી.એચ.સી. માટે એમ્બ્યુલન્સ વાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત મંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે પાત્રતા ધરાવતાં અધિકારી-કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઈન વર્કરોને પ્રિકોશન ડોઝ સહિતના કેમ્પનું આયોજન ધરાયું હતું જેનું નિરીક્ષણ મંત્રી તથા મહાનુભાવો ધ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.