ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન અને 24 કલાક ધમધમતા કસક રેલવે ગરનાળા થી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકની રોજે રોજની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ખાસ કરીને તહેવારો ટાણે આ સમસ્યા વાહનચાલકો અને રાહદારીઓ માટે અસહ્ય બની રહી છે.
ભરૂચ શહેરના બીજા ઘણા પ્રવેશ માર્ગો ને અડચણરૂપ દબાણો વકરતા જાય છે કેટલીક વખત દબાણ હટાવ ઝુંબેશ ચલે તો છે પરંતુ બે પાંચ દિવસમાં તે દબાણો યથાવત સ્થિતિમાં જ આવી જાય છે.રાહદારીઓની સુરક્ષા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટપાથ આજે રાહદારીઓ માટે નહીં પરંતુ લારી-ગલ્લા, પાથરણાવાળાઓ અને ગેરકાયદે કામચલાઉ દુકાનો માટે અનામત થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. જેના કારણે રાહદારીઓને જીવના જોખમે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડે છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે.
રોડ પર જ વાહન પાર્ક કરીને ખરીદી કરવાના કારણે અવારનવાર ટ્રાફિક જામ, બોલાચાલી, ગાળાગાળી અને મારામારી જેવી ઘટનાઓ બને છે. સવાલ એ થાય છે કે, શું લાખોના ખર્ચે બનેલા ફૂટપાથ રાહદારીઓ માટે છે કે દબાણકર્તાઓ માટે તે જ સમજાતું નથી.
આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે અનેક વખત સુઓ-મોટો સંજ્ઞાન લઈ સ્પષ્ટ નિર્દેશો આપેલા છે. તેનું પાલન ભરૂચમાં ક્યાંય થતું જ નથી. નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વાત કરીએ તો સુઓ મોટો કેસ અને અનેક ચુકાદાઓમાં ફૂટપાથ એ રાહદારીનો અધિકાર છે, તે કોઈની માલિકીની જગ્યા નથી. ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ એ બંધારણના અનુચ્છેદ 21 – જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. તમામ રાજ્ય સરકારો અને મહાનગરપાલિકાઓએ ફૂટપાથને તાત્કાલિક દબાણમુક્ત કરવા અને તેને રાહદારીઓ માટે સુરક્ષિત રાખવા નિર્દેશ આપેલ છે.
આ અંગે ગુજરાતહાકોર્ટે પણ અનેક વખત ફૂટપાથ અને જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસને કડક અમલવારી કરવા આદેશો કરેલા છે, પરંતુ આ કોર્ટના નિર્દેશોની પણ ભરૂચમાં અવગણના થતી રહી છે. તો મોટર વ્હીકલ એક્ટ, 1988 અને માર્ગ સલામતી નિયમોની કલમ 122/122A – જાહેર રસ્તા પર વાહન પાર્ક કરવું અને અડચણ ઉભી કરવી એ ગુનો છે,તથા કલમ 126 – જોખમી રીતે વાહન પાર્ક કરવું એ પણ ગુનો છે.
સત્વરે કસક ગરનાળા થી ઝાડેશ્વર ચોકડી સુધીના બન્ને તરફના ફૂટપાથને તાત્કાલિક દબાણમુક્ત કરી સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવે.ટ્રાફિકને અડચણરૂપ તમામ બિનઅધિકૃત લારી-ગલ્લા અને કામચલાઉ સ્ટોલ તાત્કાલિક દૂર કરવામાં આવે.
ફૂટપાથ પર વાહન પાર્કિંગ કરનારાઓ સામે MV એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમિત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે.
માર્ગ સલામતી પખવાડિયા દરમિયાન માત્ર રેલી જ નહીં , પરંતુ ખરા અર્થમાં આવા અકસ્માત ઝોનને દબાણમુક્ત કરવામાં આવેની લોકમાંગ ઉઠવા પામી છે.





