અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ અને એસેન્ટ સ્કૂલ નજીકના વ્યસ્ત માર્ગ પરથી મહાકાય મશીનરી લઈને પસાર થઈ રહેલા એક જાયન્ટ ટ્રેલરના કારણે ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અતિ-વિશાળ મશીનરીને રસ્તા પરથી સરળતાથી પસાર કરાવવા માટે માર્ગ પર બે અલગ-અલગ સ્થળોએ રોડ ડિવાઈડર પણ તોડી પાડવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સમીસાંજે ટ્રાફિક સર્જાતાં વાહનચાલકો પરેશાન અંકલેશ્વર શહેરના અત્યંત ધમધમતા વિસ્તારમાં સમીસાંજના સમયે જ આ વિશાળકાય મશીનરી રસ્તા પર ઉતારી દેવામાં આવી હતી. જેના કારણે નોકરીયાતો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય વાહનચાલકોને કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સર્જાયેલી આ અરાજકતાને પગલે વાહનચાલકોમાં સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
રાત્રિના સમયે વાહન પસાર કરવાનો નિયમ સરકારી નિયમો અનુસાર આવી અતિ-મહાકાય મશીનરી કે ઓવરડાઈમેન્શન ધરાવતા મોટા વાહનોને સામાન્ય ટ્રાફિકમાં અડચણ ન રૂપ બને તે માટે માત્ર રાત્રિના સમયે જ રસ્તા પરથી પસાર કરવાની સ્પષ્ટ મંજૂરી આપવામાં આવતી હોય છે. જેથી કરીને દિવસ દરમિયાન સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે.
આ ઘટના અંગે તંત્રમાં તપાસ કરતા PWD કચેરી દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રસ્તા પરના ડિવાઈડર તોડવાની અને મશીનરી પસાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આ મશીનરીને માત્ર રાત્રિના સમયે જ રસ્તા પરથી પસાર કરવાની કડક શરતે મંજૂરી અપાઈ હતી. શરતનો ભંગ કરીને દિવસ દરમિયાન મશીનરી લાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ થઈ રહી છે.





