ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. કાર્યક્રમની પૂર્વ મંજૂરી ન હોવાથી પોલીસે અટકાયતની કામગીરી હાથ ધરી હતી, તે સમયે એક પોલીસકર્મીને ધક્કો મારી ઈજા પહોંચાડવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ કોંગ્રેસના કાર્યકર શૈલેષ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
‘લોકશાહી બચાવો’ પદયાત્રા દરમિયાન ઘર્ષણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘લોકશાહી બચાવો, દેશ બચાવો’ નારા સાથે પદયાત્રા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કથિત વોટચોરી અને બંધારણના રક્ષણના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા.

મંજૂરી ન હોવાથી પોલીસે અટકાયત કરી વિરોધ પ્રદર્શન માટે યોગ્ય મંજૂરી લેવામાં આવી ન હોવાથી પોલીસે કાર્યકરોને સ્થળ પરથી હટી જવા જણાવ્યું હતું. કાર્યકરોએ વિરોધ ચાલુ રાખતા પોલીસે તેમની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કાર્યકર શૈલેષ પરમારે પોલીસકર્મી શક્તિસિંહ જીલુભા સાથે ઝપાઝપી કરી તેમને જોરથી ધક્કો માર્યો હતો.
ત્રણ પોલીસકર્મીઓને સારવાર અર્થે ખસેડાયા ધક્કાના કારણે શક્તિસિંહનો ડાબો હાથ બસના દરવાજા સાથે અથડાતાં તેમની આંગળીમાં ઈજા થઈ હતી. આ સિવાય અન્ય બે પોલીસકર્મીઓ શૈલેષ સોનાજી અને કાજલબેન પણ સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવા અને પોલીસ કર્મચારી પર હુમલો કરવા બદલ શૈલેષ પરમાર સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here